સરકારી અથવા ગૌચર જમીન પર ખાણો ચલાવતા ખનિજ માફિયાઓ પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખાણો બેરોકટોક અને તંત્રના રહેમનજર હેઠળ ધમધમી રહી છે. ત્યારે જિલ્લાના થાનગઢ, મુળી અને સાયલા પંથકમાં ધમધમતી આશરે બે હજારથી વધુ કોલસાની ખાણો સામે સરકારની મંજૂરી માત્ર 30 ખણીને જ હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે કોલસાની ખાણો જે પ્રકારે ગેરકાયદેસર ચાલે છે તેની સાથે અહીં વીજ કનેક્શન અને વિસ્ફોટક જથ્થો પણ ગેરકાયદેસર રીતે વપરાશ થતો હોય છે. જોકે હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢના ભાડુલા અને જામવાડી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડો કરી આશરે 247 જેટલી ખાણો પરથી ત્રણ હજાર ટન જેટલો ગેરકાયદેસર કોલસો અને અન્ય મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે કોલસાના ઇતિહાસમાં પ્રથમ વખત ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ પ્રકારે એક સાથે 247 જેટલી ખાણો પર પોલીસ અને ખાણ ખનીજ વિભાગને ઊંઘમાં રાખી દરોડા કરી અન્ય લાગતા વળગતા વિભાગો અને ખનિજ માફિયાઓની પોલ ખોલી નાખી હતી. ત્યારે આ મેગા દરોડા બાદ આશરે 36 કલાક સુધી મુદામાલ જપ્ત કરી તેને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી હતી જે બાદ પ્રાંત અધિકારી દ્વારા કાગળોની કામગીરી શરૂ કરી કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવતા અને દરોડા દરમિયાન નાશી છૂટેલા ખનીજ માફીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ ખાણો જે સ્થળો પર ચાલે છે તેમાં સરકારી અને ગૌચર જમીનો છે કે કેમ ? તે અંગેની પણ તપાસ શરૂ કરી છે જોકે આ આખાય મામલાને લઈને ભાડુલા અને જામવાડી વિસ્તારોમાં કોલસાની ખનિજ ચોરી કરતા માફીયાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા મુદામાલની કામગીરી પૂર્ણ થતા કોલસાની ખાણોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના આશ્રય સ્થાન સુધી જઈ તમામ શ્રમિકોને ચેતવણી રૂપે સમજાવી ગેરકાયદેસર ખનનમાં પોતે પણ ભાગીદાર નહીં બનવા માટે અને સામાન્ય રોજગારમાં પોતાનો જીવ જોખમમાં નહીં મૂકવા માટે જણાવી 60 જેટલા શ્રમિકોને પોતાના વતન જવા માટે રાજી કર્યા હતા. બીજી તરફ પ્રાંત અધિકારીનું કાર્ય અહીંથી અટક્યું નથી અને આગામી સમયમાં કોલસાની ગેરકાયદેસર ખાણ પર હજુય મોટો દરોડો કરવાની તૈયારી દર્શાવી ખનિજ માફિયાઓને વિચારતા કરી દીધા છે.
- Advertisement -
સરકારી જમીન ખાણો ચલાવનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી
થાનગઢના ભડુલા અને જામવાડી ખાતે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડો કર્યા બાદ આશરે 36 કલાક જેટલી મહેનત બાદ કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હવે આ બંને વિસ્તારોમાં ઝડપાયેલ કોલસાની ખાણોની તપાસ આદરી છે જેમાં સરકારી અથવા ગૌચર જમીન પરની ખાણો ચલાવનાર ઈસમો સામે કડક પગલાં ભરવાની તૈયારી શરૂ કરી છે.
ગેરકાયદેસર કોલસાની ખાણોમાં રાજકીય અને તંત્રની જ મિલીભગત ?
- Advertisement -
થાનગઢ ખાતે ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા ખનિજ માફીયાઓ પર રાજકીય નેતાઓની છત્રછાયા ભાગીદાર હોવાનું જ્યારે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કોલસાના કારોબારમાં પોતાના ખિસ્સા ગરમ કરતા હોવાની ચર્ચાને લીધે પ્રાંત અધિકારી દ્વારા ભડુલા અને જામવાડી પર દરોડાની કામગીરીથી પોલીસને દૂર રાખી હતી.
પ્રાંત અધિકારીની બદલી માટે ખનિજ માફિયાઓ દ્વારા ધમપછાડા
ચોટીલા પ્રાંત અધિકારી નિષ્પક્ષતાથી વારંવાર ખનિજ વહન અને ગેરકાયદેસર ખનનને અટકાવી રહ્યા છે તેવામાં થાનગઢ ખાતે અત્યાર સુધીના ઇતિહાસમાં મોટો દરોડો એકલા હાથે કરી મોટા પ્રમાણમાં મુદામાલ અને કોલસાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે કામગીરીને જોતા કોલસાનો કારોબાર કરતા ખનિજ માફીયાઓ હવે ગળે આવી ગયા છે અને ચોટીલા પ્રાંત અધિકારીની બદલી માટે ધમપછાડા શરૂ કર્યા છે.
જામવાડી વિસ્તારમાં વધુ 1200 ટન કોલસાનો જથ્થો જપ્ત કરાયો
ચોટીલા પ્રાંત અધિકારીના મેગા દરોડા બાદ તમામ મુદામાલ ખસેડવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલતી હતી તેવામાં ગઈ કાલે મોડી રાત્રે જામવાડી વિસ્તારમાંથી વધુ 1200 ટન કોલસાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેથી સ્પષ્ટ થાય છે કે પ્રાંત અધિકારીના દરોડા બાદ પણ અહીં વિસ્તારની આસપાસ હજુય કેટલીક કોલસાની ખાણો ધમધમી રહી છે.