પક્ષપલટુ કિશોર ચીખલીયાના ધમપછાડા બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસે જયંતિ જેરાજ પર પસંદગી ઉતારી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવા ભારે સસ્પેન્સ સર્જાયું હતું અને હાઈકમાન્ડ શા માટે અને ક્યાં અટકે છે તેની જોરશોરથી ચર્ચા સ્થાનિક સ્તરે ચાલતી હતી. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, જીલ્લા પંચાયતના પ્રમુખે પણ આ બેઠક માટે દાવેદારી કરી હતી પરંતુ અંદરખાને કાર્યકરોમાં અને મોવડી મંડળમાં તેમની વારંવાર પક્ષ પલટો કરવાની ટેવ, પાર્ટી લાઇનમાં ન રહેવાની જીદ અને કોઈ પણ ભોગે દબાણ ઉભું કરી કામ કઢાવવાની નીતિ સામે અસંતોષ હતો તો બીજી તરફ તેમને ટિકિટ આપવાથી થનારા ફાયદા કરતાં માળીયામાં થનારા સંભવિત નુકસાનની અસર ઓછી હોવાનું લાગતાં અંતે મોવડી મંડળે જયંતિ જેરાજભાઈ પટેલ પર પસંદગી ઉતારી દીધી છે અને મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસે જયંતિ જેરાજ પટેલને ટીકીટ આપી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે મેદાને ઉતાર્યા છે.
- Advertisement -
મોરબી સહિત રાજ્યની 182 બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદથી રાજ્યમાં ચૂંટણીગત ગરમાવો જામી ગયો છે. મોરબીના કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ પીરજાદાએ ફોર્મ જમા કરાવી દીધાં છે તો ટંકારાના બંને મુખ્ય ઉમેદવારોએ આજે સોમવારે ફોર્મ જમા કરાવ્યા હતા. મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે છેલ્લી તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તારીખ 11 સુધીમાં કુલ 223 ફોર્મ ઉપડયા હતા જેમાં મોરબીમાં 95, ટંકારામાં 41 અને વાંકાનેરમાં 87 ફોર્મ ઉપડયા હતા તો સામે પક્ષે મોરબીમાં 8, વાંકાનેરમાં 13 અને ટંકારામાં 4 ફોર્મ મળી કુલ 25 ફોર્મ જમા કરાવવામાં આવ્યા હતા. આજે સોમવાર ફોર્મ જમા કરાવવાનો અંતિમ દિવસ હોય અને ભાજપ કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારના ફોર્મ જમા કરાવવાના હોય જેથી અંતિમ દિવસે ફોર્મ ભરવા રીતસરની લાઈનો લાગી હતી.