સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આચંકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે હવે સુરતમાં પણ ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે. ગતમોડી રાત્રે સુરતની ધરા ધ્રુજી ઉઠી હતી. રાત્રે 1 વાગ્યે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
- Advertisement -
રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી
સુરતમાં આવેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા માપવામાં આવી છે. જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું છે. આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા કચ્છમાં પણ ભૂકંપનો આંચકા અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે દુધઈથી 19 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
અમરેલીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો
આ પહેલા 5 ફેબ્રુઆરીએ મોડી રાત્રે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રીના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.