સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બંધ બારણે બેઠકોનો દોર શરૂ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
રાજ્યમાં દિવાળીના પર્વ પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા લોકશાહીના પર્વની તૈયારી શરૂ કરી છે જેમાં હવે રાજ્યના કેટલાક શહેરો વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ અને ગ્રામ્યમાં જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે જેને લઇ રાજકીય પક્ષો દ્વારા પિતાના ઉમેદવારો માટેની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ધ્રાંગધ્રા પંથકમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બંધ બારણે બેઠકોનો દોર શરૂ કર્યો છે ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરના કુલ 9 વોર્ડમાં 36 સુધરાઈ સભ્યોમાંથી 35 સભ્યો તો ભાજપના છે અને 1 કોંગ્રેસના સભ્ય છે. આ વખતે બેઠકોના સમીકરણ બદલાતા હવે કેટલાક વર્તમાન સુધરાઈ સભ્યો રીપીટ થાય તેવી સ્થિતિ નથી તો કેટલાક સભ્યોને ન છૂટકે રીપીટ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉદભવ થઈ છે.
- Advertisement -
ત્યારે આ વખતે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગડબંધન નહીં થાય તો ત્રિપાંખિયો જંગ થાય તેવી પણ શક્યતા નજરે પડે છે. જોકે ધ્રાંગધ્રા શહેરમાં કોંગ્રેસના પ્રમુખ સામે પોતાના કાર્યકરોની નારાજગી ભાજપને ફાયદો કરાવી શકે છે પરંતુ આમ આદમી પાર્ટી પર જોશમાં હોવાથી ભાજપને થોડા અંશે ચૂંટણી જીતવા અને બહુમતી લાવવા માટે કસરત રહી શકે છે. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષમાં પણ કેટલાય ઉમેદવારો થનગની રહ્યા છે. જેને લઈ પોતપોતાના નજીકના નેતાઓ અને કેટલાક સભ્યો તો છેક ગાંધીનગર સુધીના ધક્કા અત્યારથી શરૂ કરી ચૂક્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ખાનગી બેઠકો યોજી દરેક વોર્ડમાં પ્રભુત્વ ધરાવતા ઉમેદવારોને પસંદ કરવાની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે.



