બંનેએ 3-4 માર્ચની રાતે સૌરભની હત્યા કરી હતી, ત્યારબાદ લગભગ 10 દિવસ પછી 14મીના રોજ હોળી રમી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિની નિર્મમ હત્યા કરી લાશના ટુકડાં કરનારી મુસ્કાનના એક પછી એક એવા કારસ્તાન સામે આવી રહ્યા છે કે જાણીને ધ્રુજી જવાય. પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય. સૌરભ સાથે પ્રેમલગ્ન કરનારી મુસ્કાન તેની આવી હાલત કરી શકે? હત્યા પછી મુસ્કાને એવા એવા કારનામા કર્યા કે જાણીને પગ નીચેથી જમીન સરકી જાય. હત્યા કર્યા બાદ પહાડોમાં ફરવા જતી રહેલી મુસ્કાને પ્રેમી સાથે હોળી રમી જેનો વીડિયો ખુબ વાયરલ થયો અને પ્રેમી સાહિલનો ધૂમધામથી બર્થડે પણ ઉજવ્યો. સાહિલના બર્થડે પર એક સરપ્રાઈઝ કેક પણ ગિફ્ટ કરી હતી. સાહિલ અને મુસ્કાનનો હોળી રમતો વીડિયો અને કેક મંગાવવા માટે કેબ ડ્રાઈવર સાથે વાતચીતનો ઓડિયો પણ હવે સામે આવ્યો છે. કેબ ડ્રાઈવરના જણાવ્યાં મુજબ સાહિલ સાથે મુસ્કાન પણ દારૂ પીતી હતી. એટલે સુધીકે મેરઠથી હિમાચલ જતા અને પછી પાછા આવતી વખતે રસ્તામાં પણ બંનેએ નશો કર્યો હતો.
- Advertisement -
મુસ્કાન અને સાહિલનો જે હોળી રમતો વીડિયો સામે આવ્યો છે તે 20 સેક્ધડનો છે. જેને જોઈને એવું લાગે છે કે બંનેએ કોઈ નશો કરેલો છે. ખાસ કરીને મુસ્કાન તો નશામાં જ લાગે છે. બંનેએ 3-4 માર્ચની રાતે સૌરભની હત્યા કરી હતી. ત્યારબાદ લગભગ 10 દિવસ પછી 14મીના રોજ હોળી રમી હતી. એટલે કે સૌરભની લાશ ટુકડામાં પડી હતી અને બંને હોળીની મસ્તી કરી રહ્યા હતા.
એટલું જ નહીં મુસ્કાન અને સાહિલનો બીજો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સાહિલનો બર્થડે ઉજવતા જોવા મળે છે. સાહિલનો બર્થડે હોળીના બે દિવસ બાદ એટલે કે 16 માર્ચના રોજ બર્થડે હતો. મુસ્કાને સિમલાની હોટલમાં સાહિલનો બર્થડે ઉજવ્યો. આ દરમિયાન બંને લીપલોક પણ કરતા જોવા મળ્યા. બર્થડે માટે મુસ્કાને જ કેબ ડ્રાઈવર પાસે કેક મંગાવી હતી. મુસ્કાને કેબ ડ્રાઈવરને વોટ્સએપ પર ઓડિયો મેસેજ મોકલ્યો હતો.
મુસ્કાને ડ્રાઈવરને કહ્યું કે ક્યાંયથી પણ કેક લઈ આવો. એમ પણ કહ્યું કે તેને ફોન ન કરે. ફક્ત મેસેજ પર જણાવી દે કે કેક મળી કે નહીં. જો કેક મળી જાય તો રૂમ પર આવી જાય અને કહી દે કે અમારો આ સામાન છે રાખી લો. એવું માનવામાં આવી રહ્યું છે કે મુસ્કાન આ રીતે કેક મંગાવીને બર્થડે પર સાહિલને સરપ્રાઈઝ આપવા માંગતી હતી.
પોલીસ હવે કેબ ડ્રાઈવરને લઈને હિમાચલની એ હોટલો પર જવાની તૈયારી કરી રહી છે જ્યાં બંને રોકાયા હતા. એવું કહેવાય છે કે પોલીસ મુસ્કાનને પણ સાથે લઈ જઈશકે છે. કેબ ડ્રાઈવરના જણાવ્યાં મુજબ હોટલમાં બંને રોજ 2-3 બોટલ દારૂ પીતા હતા. હીમાચલથી પાછા ફરતી વખતે અને જતી વખતે રસ્તામાં પણ ગાડી થોભાવીને દારૂ લીધો અને સાહિલ સાથે જ મુસ્કાને પણ પીધો હતો.
મુસ્કાને જે હેવાનિયતથી પતિ સૌરભની હત્યા કરી અને ત્યારબાદ પ્રેમી સાથે હિલ સ્ટેશન પર ઐયાશી કરવા માટે ગઈ તે જોતા હચમચી જવાય. 10 વર્ષના પ્રેમને બાજૂમાં હડસેલીને મુસ્કાને સૌરભની હત્યા કરી. અને પછી આવા લોહીથી ખરડાયેલા હાથે પ્રેમી સાથે હોળી રમી. જે વીડિયો સામે આવી રહ્યા છે તે જોતા જરાય એવું નથી લાગતું કે તેને સૌરભની હત્યાનો કોઈ પસ્તાવો હોય કે કાયદાનો ડર હોય. બંને કોઈ પણ ડર કે ચિંતા વગર ફરી રહ્યા છે. કેક કટિંગના વીડિયોમાં જે રીતે બંને એકબીજાને કિસ કરી રહ્યા છે તે જોતા બંને વચ્ચે આડા સંબંધ પર મહોર પણ લાગી રહી છે.
શું છે મામલો
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારની ઈન્દિરાનગર કોલોનીમાં 3-4 માર્ચની રાતે લંડનમાં નોકરી કરતા સૌરભની તેના ઘરની અંદર જ પત્ની અને પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. બંનેએ ખાવાનામાં બેહોશીની દવા ભળવીને સૌરભને ખવડાવી દીધી અને પછી છાતીમાં ચાકૂ મારીને હત્યા કરી. લાશ છૂપાવવા માટે સૌરભની લાશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. હથેળીઓ પણ કાપી નાખી. માથુ અને હાથ એક બેગમાં લઈને સાહિલ તેના રૂમ પર જતો રહ્યો હતો. સૌરભના શરીરના અન્ય ભાગ રૂમમાં રાખ્યા અને પછી ચાર માર્ચે મુસ્કાન એક ડ્રમ લાવી અને તેમાં લાશના ટુકડાં કરીને નાખ્યા બાદ સીમેન્ટ રેતીનું મિક્સર નાખી જમાવી દીધા. આટલું કર્યા બાદ બંને હિમાચલ ફરવા જતા રહ્યા. 17 માર્ચ બંને પાછા ફર્યા. 18 માર્ચે મુસ્કાનના કબૂલનામા બાદ લાશ મળી. પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી જેલભેગા કર્યા.
- Advertisement -
સાહિલ જોડે રાખવામાં આવે… પતિને મોતને ઘાટ ઉતારનાર મુસ્કાનની જેલમાં ડિમાન્ડ
ઉત્તર પ્રદેશના મેરઠમાં પતિ મર્ચન્ટ નેવી ઓફિસર પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનાર પત્ની મુસ્કાન મેરઠ જેલમાં છે. સીજેએમ કોર્ટે મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી દીધા છે. ગઈકાલે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ગઈકાલે બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પતિની નિર્દયતાથી હત્યા કર્યા પછી પણ તેની હત્યારી મુસ્કાનને કોઈ પસ્તાવો નથી તેનો અંદાજ જેલમાં તેણે જેલર પાસે કરેલી માંગ પરથી લગાવી શકાય છે. મેરઠ જેલના જેલર વિરેશ રાજ આર્યએ કહ્યું કે જ્યારે મુસ્કાન જેલમાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેના પ્રેમી સાહિલને તેની આસપાસ રાખવામાં આવે. પરંતુ જેલમાં પુરુષ અને સ્ત્રી કેદીઓને અલગ બેરેકમાં રાખવામાં આવે છે તેની તેની માંગણી ફગાવી દેવામાં આવી હતી. મુસ્કાનને બેરેક નંબર 12 માં રાખવામાં આવી છે, જે મહિલા કેદીઓ માટે બનાવવામાં આવેલ એક નવી બેરેક છે. જેલમાં આવતી કેદી મહિલાઓને આ બેરેકમાં રાખવામાં આવે છે. સાહિલને બેરેક નંબર 18 માં રાખવામાં આવ્યો છે, જે પુરુષ કેદીઓ માટે બનાવવામાં આવેલ એક નવી બેરેક છે. સૌરભ રાજપૂતની હત્યા 4 માર્ચે કરવામાં આવી હતી. તેની પત્ની મુસ્કાન અને તેના બોયફ્રેન્ડ સાહિલ શુક્લાએ માંસ કાપવાના છરાથી તેની હત્યા કરી દીધી. પછી સૌરભના શરીરના ટુકડા કરી ડ્રમમાં ભર્યા અને ડ્રમને સિમેન્ટથી સીલ કરી દીધું હતું. આ પછી બંનેએ શિમલામાં લગ્ન કર્યા અને મનાલીમાં હનીમૂન મનાવ્યું હતું.