ઈન્ડિગોની ફ્લાઈટમાં સવારની ફ્લાઈટમાં મુંબઈથી 170 મુસાફરો આવ્યા તો રાજકોટથી મુંબઈ 150 પેસેન્જર ગયા
એર ઈન્ડિયાની સવારની ફ્લાઈટ પણ ભરચક્ક: વરસાદને કારણે રન-વે કે ટર્મિનલમાં નુકસાની નહીં હોવાનો ઓથોરિટીનો દાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બીપોરજોય’ નામની વાવાઝોડારૂપી આફતને કારણે બે દિવસ સુધી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું જનજીવન થંભી જવા પામ્યું હતું. 48 કલાક સુધી આખા સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યા બાદ આજે સ્થિતિ થાળે પડવા તેમજ વાતાવરણ ચોખ્ખું થતાંની સાથે જ ફરી પરિવહન ગતિવિધિઓ વેગવંતી બની છે.
બીજી બાજુ વાવાઝોડાને કારણે સળંગ બે દિવસ સુધી રાજકોટનું એરપોર્ટ બંધ રહ્યા બાદ આજે સવારે ફરીથી એરપોર્ટ ઉપર મુસાફરોનો ધમધમાટ જોવા મળ્યો હતો જેના પગલે સવારે રાજકોટથી મુંબઈ જતી બન્ને ફ્લાઈટ ફૂલ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આજે સવારે મુંબઈથી રાજકોટ આવેલી ઈન્ડીગો ફ્લાઈટમાં 170 મુસાફરો આવ્યા હતા. એકંદરે આ ફ્લાઈટ ફૂલ થઈને આવી હતી. જ્યારે અહીંથી મુંબઈ જવા માટેની ફ્લાઈટમાં 150 મુસાફરોએ ઉડાન ભરી હતી. આમ ઈન્ડીગોની મુંબઈથી રાજકોટ આવેલી અને રાજકોટથી મુંબઈ ગયેલી ફ્લાઈટ ભરચક્ક હતી તો એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ ફુલ થઈને જ રાજકોટ આવી હતી. બીજી બાજુ બે દિવસ સુધી પડેલા ભારે વરસાદ અને હવારૂપી તોફાનને કારણે રન-વે કે ટર્મિનલને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું નહીં હોવાનો દાવો એરપોર્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એકંદરે બે દિવસ સુધી સંપૂર્ણ એરપોર્ટ બંધ હોવાને કારણે નુકસાન જવાની કોઈ શક્યતા રહેતી નહીં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.