ફેમસ શાયર મુન્નવર રાણાના પુત્ર તબરેઝ રાણાએ સોશિયલ મીડિયા પર મુઘલ શાસક ઔરંગઝેબની સાદગીના વખાણ કર્યાં છે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે સપા ધારાસભ્ય અબુ આઝમીની ઔરંગઝેબ પર ટિપ્પણીથી હોબાળો મચેલો છે. તબરેઝ રાણાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી કહ્યું છે કે ‘ઔરંગઝેબ ખૂબ સાદગીથી જીવન જીવતા હતા. ઔરંગઝેબ એટલા ખરાબ નહોતા જેટલા બતાવવામાં આવ્યા છે.’ તેણે ઔરંગઝેબ વિશે એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
મહારાષ્ટ્રના સપા ધારાસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબ પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. આઝમીએ ઔરંગઝેબનો બચાવ કરતાં નિવેદન આપ્યું હતું કે હું 17મી સદીના મુઘલ બાદશાહ ઔરંગઝેબને ક્રૂર, અત્યાચારી કે અસહિષ્ણુ શાસક માનતો નથી. અત્યારે ફિલ્મોના માધ્યમથી મુઘલ બાદશાહની વિકૃત છબી બનાવવામાં આવી રહી છે.
- Advertisement -
અખિલેશ યાદવે અબુ આઝમીનો બચાવ કર્યો. તેમણે એક્સ પર લખ્યું, ‘સસ્પેન્શનનો આધાર જો વિચારધારાથી પ્રભાવિત થવા લાગશે તો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પરતંત્રતામાં શું અંતર રહી જશે. આપણા ધારાસભ્ય હોય કે સાંસદ તેમની બુદ્ધિમત્તા બેમિસાલ છે. અમુક લોકો જો વિચારે છે કે સસ્પેન્શનથી સત્યની જુબાન પર કોઈ લગામ લગાવી શકે છે તો પછી આ તેમના નકારાત્મક વિચારનું બાળપણ છે.’
આ દરમિયાન સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે અબુ આઝમી સાથે મુલાકાત કરી છે. ધર્મેન્દ્ર સપા પ્રમુખ અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ છે. કહેવાઈ રહ્યું છે કે ધર્મેન્દ્રએ આઝમીને સમર્થનનો વિશ્વાસ અપાવ્યો છે. હાલ, અબુ આઝમીએ પોતાના નિવેદનથી પીછેહઠ કરી છે અને તેમણે માફી પણ માગી લીધી છે પરંતુ તેમની પર રાજકીય નિશાન સાધવામાં આવી રહ્યું છે.