કાશી વિદ્વત પરિષદ દ્વારા હિન્દુ આચારસંહિતા તૈયાર કરવામાં આવી
મહિલાઓને પણ વેદોના અભ્યાસ તેમજ યજ્ઞની મંજૂરી આપવામાં આવી
- Advertisement -
સંહિતા અનુસાર મહિલાઓ વેદોનો અભ્યાસ, યજ્ઞ સહિતનાં અનુષ્ઠાન કરી શકશે
દેશ અને દુનિયાના હિન્દુ સમુદાય માટે આગામી વર્ષે 2025માં પ્રયાગરાજમાં આયોજિત થનારો મહાકુંભ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. તેમાં હિન્દુ આચારસંહિતા પર મંજૂરીની મહોર વાગશે. 351 વર્ષ બાદ હિન્દુ સમુદાય માટેની આચારસંહિતા બનીને તૈયાર થઇ છે. આચારસંહિતા અનુસાર મંદિરમાં બેસવા, પૂજા-પાઠ કરવાથી માંડીને લગ્ન વગેરે તમામ સંસ્કારો માટેના સામાન્ય નિયમો તૈયાર કરાયા છે. તેમાં મહિલાઓને પણ વેદોના અભ્યાસ તેમજ યજ્ઞની મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ હવે રાત્રીના સમયે યોજાતા લગ્ન સમારંભોના સ્થાને દિવસે લગ્નના આયોજનને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર મહાકુંભમાં શંકરાચાર્ય અને મહામંડલેશ્વરો તરફથી અંતિમ મંજૂરી અપાયા બાદ ધર્માચાર્યો દેશની જનતાને હિન્દુ આચારસંહિતાને અપનાવવાનો આગ્રહ કરશે. હિન્દુ આચારસંહિતામાં વ્યક્તિના જીવનના તમામ સંસ્કારો અને મહત્ત્વપૂર્ણ આયોજનો માટે સામાન્ય નિયમો છે. તેમાં જન્મદિવસ સમારંભ જેવા આયોજનમાં ભારતીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર અપાયો છે. તેમાં વિધવાવિવાહની વ્યવસ્થાને પણ સામેલ કરવામાં આવી છે.
70 વિદ્વાનની ટીમે તૈયાર કરી હિન્દુ આચારસંહિતા
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડો. રામનારાયણ દ્વિવેદી આચાર્યે હિન્દુ આચારસંહિતા તૈયાર કરવામાં આવી હોવાની વાતને અનુમોદન આપ્યું હતું. અહેવાલો અનુસાર આ હિન્દુ આચારસંહિતાને દેશભરના 70 વિદ્વાનોએ ચાર વર્ષની મહેનત બાદ તૈયાર કરી છે. કાશી વિદ્વત પરિષદ દ્વારા આ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આચારસંહિતાને તૈયાર કરવામાં કર્મ અને સ્મૃતિઓને આધાર બનાવાઇ છે. શ્રીમદ ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના અંશ પણ તેમાં લેવામાં આવ્યા છે.