બાળકનું અપહરણ કર્યા બાદ તેના કંકુ પગલાં પણ કરાવી લીધા…!
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હાલના સમયે અનેક દંપતિઓ એવા છે જેમને સંતાનપ્રાપ્તિ થઈ રહી નથી જેના કારણે તેમનામાં ઘણી નિરાશા પણ જોવા મળતી હોય છે. જો કે ઘણા દંપતિઓ બાળક દત્તક લઈને પોતાની ઓટ પૂર્ણ કરતા હોય છે પરંતુ એક દંપતિ એવું પણ છે જેને લગ્નના 20 વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ ન થતાં તેમણે બાળકને દત્તક લેવાની જગ્યાએ હોસ્પિટલમાંથી જ તેનું અપહરણ કરી લીધું છે !
- Advertisement -
વળી આ દંપતિની હિંમત પણ ગજબની હોય તેવી રીતે બાળકનું અપહરણ કર્યા બાદ તેના કંકુપગલાં પણ પોતાના ઘરમાં કરાવી લીધા હતા ! જો કે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરીને બાળકને હેમખેમ તેના મુળ વાલીઓને સોંપ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતની સ્મિમેર હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના એક બાળકનું અપહરણ થયાની જાણ પોલીસને થતાં વરાછા પોલીસે સક્રિય થઈને દંપતિને પકડી પાડ્યું છે. પોલીસે શંકર ભંવરલાલ પ્રજાપતિ (ઉ.વ.48) અને તેની પત્ની સીમા (ઉ.વ.45)ને પકડ્યા છે. પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે બન્નેના લગ્નને 20 વર્ષ થયા હોવા છતા કોઈ સંતાન થયું ન્હોતું જેથી સ્મિમેર હોસ્પિટલ જઈને આ બાળકનું અપહરણ કરીને તેનો ઉછેર કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ બન્નેના મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં બાળકના સ્વાગત કરતા ફોટો તેમજ કંકુ પગલાં પાડેલા ફોટો પણ મળી આવ્યા હતા અને બાળકના પગમાંથી કંકુના નિશાન પણ મળ્યા હતા.