સવારથી સાંજ સુધીમાં 16.2 ડિગ્રી ફેરફાર અનુભવાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલના મહિનામાં એક સમયે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા રાજ્યમાં સૌથી વધુ ગરમ જિલ્લો સુરેન્દ્રનગર બની ગયો હતો. ત્યારે છેલ્લા થોડા દિવસોથી હવાની ગતિ અને ભેજ વધવા સાથે ગરમીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોને બફારા સાથે ગરમીમાં રાહત થઇ હતી. પરંતુ 2 દિવસથી ફરી ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં સોમવારે લઘુતમ તાપમાન 25.0 અને મહત્તમ 41.2 ડિગ્રી નોંધાયું હતું. હવાની ગતિ 13 કિમી અને ભેજ 20 ટકા નોંધાયો હતો. જેની સરખામણી રવિવાર સાથે કરીએ તો રવિવારે જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરીને 40.8 ડિગ્રી, હવાની ગતિ 18 કિમી તેમજ ભેજનું પ્રમાણ 22 ટકા રહ્યું હતું. આમ 24 કલાકમાં હવાની ગતિ 5 કિમી ઘટાડો અને ભેજમાં 2 ટકા ઘટાડો થવા સાથે ગરમીનો પારો 1 ડિગ્રી સુધી વધી જવા પામ્યો છે. આમ એપ્રિલ મહિનાનું છેલ્લું સપ્તાહ આકરા ઉનાળાનો અનુભવ કરાવી રહ્યું છે. સોમવારે લોકોએ સવારથી સાંજ સુધીમાં 16.2 ડિગ્રી ફેરફાર અનુભવ્યો હતો. હજુ જિલ્લામાં ગરમી વધવાની આગાહી કરાઈ છે.