કુનાર નદી પર બંધ બાંધ્યો: અફઘાન જનરલે કહ્યું- આ પાણી અમારું લોહી છે, અમે તેને વહી જવા નહીં દઈએ
ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન, તા.21
ભારત પછી હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને રોકવા માટે બંધ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સોમવારે તાલિબાન સરકારના આર્મી જનરલ મુબીને કુનાર નદી પર બની રહેલા બંધનું નિરીક્ષણ કર્યું.
- Advertisement -
જનરલ મુબીને તાલિબાન સરકારને આ બંધ બનાવવા માટે ભંડોળ એકત્ર કરવા અપીલ કરી. તેમણે કહ્યું- આ પાણી આપણું લોહી છે અને આપણે આપણું લોહી આપણી નસમાંથી વહેવા દઈ શકીએ નહીં. આપણે આપણા પાણીને પકડી રાખવું પડશે. આ આપણી વીજળીની જરૂરિયાતો પૂરી કરશે અને આપણે તેનો ઉપયોગ ખેતીમાં કરીને ઉત્પાદન વધારીશું. તાલિબાનના પાણી અને ઉર્જા મંત્રાલયના પ્રવક્તા મતિઉલ્લાહ આબિદ કહે છે કે ડેમનો સર્વે અને ડિઝાઇન પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેને બનાવવા માટે પૈસાની જરૂૂર છે. તાલિબાન સરકારનો દાવો છે કે જો આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, તો તે 45 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અને લગભગ 1.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. આનાથી અફઘાનિસ્તાનમાં ઉર્જા સંકટ અને ખાદ્ય સુરક્ષામાં સુધારો થશે.
480 કિલોમીટર લાંબી કુનાર નદી અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતોમાંથી નીકળે છે અને કાબુલ નદીમાં ભળીને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. તે પાકિસ્તાનનો એક મહત્વપૂર્ણ જળ સ્ત્રોત છે.
કાબુલ નદી અને તેની ઉપનદીઓના પાણી વહેંચણી અંગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય કરાર નથી. પાકિસ્તાને અગાઉ અફઘાનિસ્તાનના ડેમ પ્રોજેક્ટ્સ પર ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેનાથી તેના પ્રદેશમાં પાણી પુરવઠો ઘટી શકે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, કુનાર નદી પર બંધ બાંધવાથી કાબુલ નદીના પાણીના પ્રવાહમાં 16-17% ઘટાડો થઈ શકે છે. આનાથી પાકિસ્તાનની ખેતી અને પાણી પુરવઠા પર મોટી અસર પડશે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને ચેનાબ નદી પરના બંધના સ્લુઇસ દરવાજા બંધ કરવાને કારણે પાકિસ્તાન પહેલાથી જ ભારત તરફથી દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં, જો આ બંધ કુનાર નદી પર બનાવવામાં આવે છે તો તેનું સંકટ વધુ ગંભીર બનશે.



