ગ્લોબલ પીસ ઈન્ડેક્સના રિપોર્ટથી ભડક્યું તાલિબાન
ખાસ-ખબર સંવાદદાતા
અફઘાનિસ્તાન સતત પાંચમા વર્ષે વિશ્ર્વનો સૌથી ઓછો શાંતિપ્રિય દેશ બન્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પી એ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022 યાદી બહાર પાડી છે. જેમાં અફઘાનિસ્તાન પણ વિશ્ર્વના સૌથી અશાંત દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે. અફઘાનિસ્તાન બાદ યમન, સીરિયા, રશિયા અને દક્ષિણ સુદાનને સૌથી વધુ અશાંત દેશો ગણવામાં આવ્યા છે.
- Advertisement -
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022ની યાદી જોઈને તાલિબાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યું કે આ મામલે અફઘાનિસ્તાન સાથે ઘણો અન્યાય થયો છે. અફઘાનિસ્તાન સ્થિત એક ખાનગી ન્યુઝે આ અંગેની માહિતી આપી છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022માં અફઘાનિસ્તાન, યમન, સીરિયા, રશિયા અને દક્ષિણ સુદાન છેલ્લા ત્રણ વર્ષથી સૌથી ઓછા શાંતિપૂર્ણ દેશોની યાદીમાં છે.ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022ના રિપોર્ટને ટાંકીને ખાનગી ન્યુઝે કહ્યું છે કે 2022માં અફઘાનિસ્તાનમાં સશસ્ત્ર સંઘર્ષને કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન સૈનિકો હટી ગયા બાદથી અફઘાનિસ્તાનમાં સંઘર્ષનું સ્તર ઘણું ઓછું થઈ ગયું છે. આ રિપોર્ટ અનુસાર તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં નાગરિકો હવે પોતાને પહેલા કરતા વધુ સુરક્ષિત માને છે. અફઘાન નાગરિકોની અપરાધના સંદર્ભમાં થોડો સુધારો થયો છે અને હવે અહીં એકલા ચાલવામાં અસુરક્ષિત મહેસુસ કરનાર લોકોની સંખ્યા 84 ટકાથી ઘટીને 77 ટકા થઈ છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022માં અફઘાનિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં 75 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 58 ટકાનો ઘટાડો થયો છે. આ બધું હોવા છતાં અફઘાનિસ્તાન વિશ્ર્વનો સૌથી વધુ અશાંત દેશ છે.