160ની સ્પીડે દોડતી ટ્રેનનો 5 રાજ્યના આ સ્ટેશને સ્ટોપેજ, PMએ લીલી ઝંડી આપી: ઈઈઝટ, ચાર્જિંગ પોઇન્ટ સહિતની સુવિધાઓ: બે માસ પછી ડેઈલી શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધનાથી બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલીઝંડી આપી હતી. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ, 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જ્યારે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે બે મહિના પછી ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે. સી આર પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન, અપડાઉન કરનાર લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાંCCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અમૃત ભારત એક્સપ્રેસ 22 એલએચબી કોચ અને ટ્રેનની બંને બાજુએ એન્જિન ધરાવતી ટ્રેન છે, જેથી આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ 130થી 160 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવ્યું છે એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે. એર બ્રેકમાં ટ્રેન રોકાવામાં જે સમય લાગે છે એ આ ઈપી બ્રેકમાં નથી લાગતો. તમામ કોચમાં એકસાથે બ્રેક લાગતાં ઓછા અંતરમાં જ ટ્રેન રોકાઈ જાય છે અને ઝટકો લાગતો નથી.
સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ
અમૃત ભારત ટ્રેન, જેનો પ્રારંભ સૌપ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો, એ સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સોશિયલ મીડિયા અને જનપ્રતિનિધિઓ દ્વારા આ માગણી સતત ઊઠતી રહી હતી. હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.
- Advertisement -
પાંચ રાજ્યોના મહત્ત્વના જિલ્લાને જોડશે, કનેક્ટિવિટી મજબૂત બનશે: રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમૃત ભારત એક્સપ્રેસ સામાન્ય માણસને આધુનિક, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના ભારતીય રેલ્વેના અવિરત પ્રયાસોમાં એક સીમાચિહ્નરૂપ કદમ છે. સુરતમાં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની કનેક્ટિવિટી મળી છે. નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે. બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દેશના પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાંચ રાજ્યોના મહત્ત્વના જિલ્લાઓને જોડશે, જેનાથી આ રાજ્યો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે.