શિવરાત્રી મેળામાં ટ્રાફિક સમસ્યા મુદ્દે એડવોકેટના સૂચનો
હાર્ટ એટેકના બનાવ બાબતે તાત્કાલિક ઇમરજન્સી સેવા આપો: હંગામી શૌચાલય ઉભા કરી સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ તળેટી ક્ષેત્રમાં આગામી તા.5 થી 8 માર્ચ સુધી ચાર દિવસ મહા શિવરાત્રી મેળો યોજવાનો છે ત્યારે મેળાનું સુચારુ આયોજન થાય તેના માટે જાણીતા એડવોકેટ અશ્વિન મણીયાર દ્વારા જિલ્લા કલેકટરને એક પત્ર લખીને મેળા સંદર્ભે ટ્રાફિક પોઇન્ટ, ટ્રાફિક સમસ્યા તેમજ આરોગ્ય લક્ષી સુવિધા સાથે સૌચાલય અને સ્વચ્છતા બાબત સહીત અનેક સૂચનો કર્યા છે અને મેળામાં આવતા શ્રદ્ધાળુને કોઈ અગવડતા ન પડે તેવા પગલાં ભરવા માંગણી કરી છે.
રાજય સરકાર દ્વારા જો આ મેળાને કુંભ મેળા તરીકે સ્વીકારવામાં આવે તો અને જો ફંડ ફાળવવામાં આવે તો તેના આયોજન અને હિસાબ કીતાબની વ્યવસ્થા જિલ્લા કલેકટર હસ્તક રાખવી જોઇએ કારણ કે, કોર્પોરેશન પાસે ઘણા બધા વહીવટના કામો બાકી છે જેથી તેઓ પુરતુ ઘ્યાન આપી શકશે નહી.
ચાલુ વર્ષે હાર્ટ એટેકના ઘણાં બધા બનાવો બનેલા છે અને આવનાર યાત્રીકોના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખી જિલ્લા પંચાયત તથા મેડીકલ કોલેજ દ્વારા અલગ અલગ ઉતારા મંડળોમાં પણ તાત્કાલીક સારવારની સુવિધા ઉભી કરવી જોઇએ અને મેડીકલ ઇમરજન્સી માટે કંઇ જગ્યાએ સેવા ઉપલબ્ધ છે તેની જાહેરાત લોકો સુધી પહોંચે તે માટે વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.
ભુતકાળના અનુભવો પરથી શીખી અને મુખ્ય ચેર પોઇન્ટ પર અનુભવી અને શાંત સ્વભાવના પોલીસ અધિકારીને ટ્રાફીક માટેની વ્યવસ્થાનો ભાર સોંપવામાં આવે તેમજ ખાસ કરીને ભરડાવાવ તથા અશોકના શીલાલેખ પાસે જવાબદારી અધિકારીઓ લોકોની વાત સાંભળે તેવા મુકવા નમ્ર સુચન છે.
લાલ-લાઇટ વાળી ગાડીઓ એટલે કે વી.આઇ.પી. જરૂરીયાત મુજબ મેળામાં આવે તે આવકાર્ય બાબત છે પરંતુ લીન અવર અને પીક અવરનું ઘ્યાન રાખી જયારે જનસંખ્યા ઓછી હોય ત્યારે તેઓ પધારે તેવી સુચારૂ વ્યવસ્થા ગોઠવવા અમારી નમ્ર વિનંતી છે તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ મેળામાં આવે અને મેળાના સુચારૂ સંચાલન માટે માર્ગદર્શક બને તે આવકાર્ય બાબત છે પરંતુ જો એની એ જ ગાડી દિવસના 8 થી 10 ફેરા કરે જેનાથી ટ્રાફીક વધવાની શકયતા હોય, આ બાબતે પણ યોગ્ય સુચનાઓ આપવા નમ્ર વિનંતી છે.
છેલ્લા ઘણા સમયથી મારી આ રજૂઆત હોય છે કે, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેથી ભુતકાળમાં મોરારિબાપુની સપ્તાહ દરમિયાન જે સ્તાનો ઉપયોગ કરવામાં આવે તે રસ્તાનો ટેમ્પરરી ઉપયોગ કરી લાલદાસ બાપુની જગ્યા પાસેથી શેરનાથ બાપુની જગ્યાએ જવા માટે જે રીંગ રોડ બનેલ છે તેની ઉપર આવવા-જવાની છૂટ હોવી જોઇએ તેમજ રીક્ષા સ્ટેન્ડ જુની પોલીસ ચોકીની સામેથી દુધેશ્ર્વર સુધી રાખવુ જોઇએ અને મુખ્ય જે ટ્રાફીકનો લોડ રહે છે આ ટ્રાફીકમાં અવ્યવસ્થા ઉભી થાય છે તે એસટી બસ અને રીક્ષાઓ આડેધડ ઉભી રહે છે તેના કારણે થાય છે.
હાલમાં કોર્પોરેશન દ્વારા દામોદરકુંડની સામે જે રોડ વ્યવસ્થિત કરવામાં આવેલ છે ત્યા અને દામોદર કુંડની સામે નો-પાર્કીંગ ઝોન જાહેર કરવો જોઇએ તેમજ ફોર ટ્રેક રોડ હોય અને જરૂરીયાત ઉભી થાય તો વાહન ખાસ કરીને નાના ફોરવ્હીલ, ટુ-વ્હીલ દિવાલની ભરોભર દામોદકુંડથી દુર પાર્ક થાય તેવી વ્યવસથા ઉભી કરવી જોઇએ. હાલ ડીમોલીશન કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે જે આવકાર્ય બાબત છે પરંતુ મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં અમુક દુકાનદારો પોતાની દુકાનની આગળ લાકડાઓ, બાંકડાઓ અને ખુરશીઓ મુકી દેતા હોય છે જેને કારણે પણ ટ્રાફીક વ્યવસ્થામાં પણ અડચણ ઉભી થાય છે આ બાબતે યોગ્ય થવા નમ્ર
સુચન છે.