પાછલા મહિનાઓમાં, અનેક એવી ઘટનાઓ પ્રકાશમાં આવી જે દર્શાવે છે કે કેવી રીતે હવામાનની વિષમ ઘટનાઓએ ભારતમાં સામાન્ય જીવનને વિક્ષેપિત કર્યું છે. ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2021 એ આબોહવા જોખમ ઘટનાઓ માટેનો વૈશ્વિક સૂચકાંક છે, તેના સંદર્ભમાં જળવાયુ અનુસંધાને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતને 7મું સ્થાન આપ્યું છે. જળવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસ-રોજગાર ભારતના લગભગ પચાસેક કરોડ કામદાર જેમાં કામ કરે છે તે કૃષિ, બાંધકામ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊ), જલવાયુ પરિવર્તનથી ભારતનું આ વિશાળ અનૌપચારિક ક્ષેત્ર અત્યંત જોખમમાં છે. ભારતમાં દરરોજ કોઈને કોઈ ભારે વિષમતા વાળું હવામાન જોવા મળી રહ્યું છે, જેના કારણે આપણે વિકાસની તકો ગુમાવી રહ્યા છીએ. વરસાદની પેટર્નમાં ફેરફાર, હવામાનની આત્યંતિક ઘટનાઓ અને આબોહવા પરિવર્તનને કારણે વધતું તાપમાન એ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની આજીવિકા માટે મુખ્ય પડકારો છે. આપણે વ્યવહારિક સંદર્ભે તેને એ રીતે પણ જોઈ શકીએ કે વર્ષોવર્ષ વધતી રહેતી ગરમીનો પારો માનવજીવન પર સીધી અસર કરે છે. ગરમીમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટી જાય છે, તાજગીસભર વિચારો નથી આવતા, સતત સુસ્તી અને પડ્યા રહેવાનું વલણ ગરમીમાં સ્વાભાવિક છે ઉપરાંત ગરમીજન્ય બીમારીનો ભોગ બનતા લોકોનો આંકડો પણ બહુ મોટો છે. હવે આર્થિક પરિપેક્ષમાં, ઈન્ડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉલ્કા કેલકર જણાવે છે
કે, “અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો, કૃષિ, બાંધકામ અને ખજખઊત આબોહવા જોખમોથી સૌથી વધુ જોખમમાં છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ નવા એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોખમમાં મૂકી શકે છે. ભારત વિકાસના એક નિર્ણાયક તબક્કે છે અને તેથી જ એ મહત્વપૂર્ણ બની જાય છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે પર્યાવરણીય મુદ્દાઓના જોખમોનાં સમાધાન પણ ઝડપથી શોધવામાં આવે. અક્ષય ઉર્જા, એટલે કે રિન્યુએબલ એનર્જી એ કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવતી ઉર્જા છે જે પુન: પુન: ઉત્પાદિત થતી રહે છે જેમ કે સૂર્યપ્રકાશ અને હવા એ એવા સ્ત્રોત છે જેની પૂર્તિ સતત થતી રહે છે. આવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો વિપુલ પ્રમાણમાં છે અને આપણી આસપાસ છે તેના પર ઇન્વેસ્ટમેન્ટ કરવા વિશે વિચારવું એ આજના સમયની માંગ છે અને એ પરત્વે કામ પણ થઈ રહ્યું છે પરંતુ આ મુદ્દે પણ જલવાયું પરિવર્તન પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે જલવાયું પરિવર્તનને કારણે જોખમ ઉભું થઈ શકે છે.વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ભારતની મહત્વાકાંક્ષાના અનુસંધાને એ કહેવાનું કે ઊર્જા ક્ષેત્રમાં નબળા રહીને કોઈ દેશ સમૃદ્ધ બની શકે નહીં. અને એ બાબતે આ સમયે આપણે ઉપર કહ્યું તેમ કેટલીક મહત્વપૂર્ણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. સામાન્ય રીતે જલવાયું પરિવર્તનને આપણે કાર્બનના પ્રમાણમાં વૃદ્ધિ તરીકે જોઈએ છીએ પરંતુ જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના ભારતના લક્ષ્યને માત્ર કાર્બનના સંદર્ભમાં જોઈ શકાય નહીં. જેમ જેમ આબોહવા પરિવર્તનના જોખમો વધવા લાગે છે, તેમ તેમ અનુકૂલનશીલ નીતિનિર્માણ જરૂરી થઈ પડે છે.
- Advertisement -
ભારત સામે સૌથી મોટા પડકારોમાનો એક, રોજગારી છે. આપણે જાણીએ જ છીએ કે, તેના સંલગ્ન ક્ષેત્રો સાથે કૃષિ એ ભારતમાં આજીવિકાનો સૌથી મોટો સ્ત્રોત છે અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. હવે,જળવાયુ પરિવર્તન પાક ચક્રને ગંભીરપણે વિક્ષેપિત કરી શકે છે અને તાપમાનમાં ફેરફાર, વરસાદની પેટર્ન, જીવાતોનો ઉપદ્રવ, જમીનનું ધોવાણ, પાણીની અછત અને પૂર અને દુષ્કાળ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓને કારણે કૃષિ ઉપજમાં ઘટાડો કરી શકે છે. ઓછી ઉપજ ગ્રામીણ અર્થતંત્રને અસર કરે છે અને શહેરી વિસ્તારોમાં ફુગાવો પણ વધારી શકે છે. બીજું, મત્સ્યોદ્યોગમાં વિક્ષેપ: આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો માછલીની પ્રજાતિઓના વિતરણ અને વર્તનને વિક્ષેપિત કરી શકે છે. પર્યાવરણશાસ્ત્રીઓનું તારણ છે કે આગામી વર્ષોમાં, જલવાયુ પરિવર્તનને કારણે, ગ્રીન એનર્જીમાંથી દર વર્ષે સર્જાતી નવી નોકરીઓ,હાલના વર્ષોમાં છે તેના કરતાં પણ ઘણી ઓછી થવા લાગશે અને બીજીબાજુ, શ્રમબજારમાં પ્રવેશતા યુવાનોની સંખ્યા વધી રહી છે. જોબ માર્કેટમાં દર વર્ષે જે નવું વર્કફોર્સ ઉમેરવામાં આવે છે તે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે તેના કરતાં ઘણું વધારે છે. અશ્મિભૂત ઇંધણમાં ઘટાડા સાથે ટેક્સની આવકમાં પણ ઘટાડો થશે. જો આપણે ગ્રીન એનર્જીમાંથી આવક પેદા કરવાના નવા રસ્તાઓ નહીં શોધીએ તો, આજના હિસાબે, 2047 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. બીજું, ભારત વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા છે અને તેની જરૂરિયાતો માટે ફક્ત રિન્યુએબલ એનર્જી જનરેટ કરવી જ પર્યાપ્ત નથી. દેશમાં મોટા પાયે તેના સંગ્રહ ક્ષમતાની જરૂર છે. ભારતીય ઉદ્યોગ પરિવર્તનની જરૂરિયાત પ્રત્યે વધુ જાગૃત બની રહ્યો છે અને આ દિશામાં પગલાં લઈ રહ્યો છે. તે તેમના માટે અને પર્યાવરણ માટે પણ સારું છે. લોખંડ, સિમેન્ટ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં તેને વધારવાની જરૂર છે. એવા ઘણા ઉદ્યોગો છે જે તેમના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી શકે છે. કાર્બન ફૂટપ્રિન્ટ એ ગ્રીનહાઉસ ગેસની એ કુલ માત્રા છે (કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન સહિત) જે આપણી પ્રવૃત્તિઓ- ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે.)
જળવાયુ પરિવર્તન અને પર્યટન ક્ષેત્ર
આંતરરાષ્ટ્રીય જર્નલ એનલ્સ ઓફ ટુરિઝમ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે પર્યટન અને તેની સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થાને દૂરગામી અને ઘાતક પરિણામોનો સામનો કરવો પડશે. સંશોધકોએ એવા વિસ્તારોને ઉલ્લેખ કર્યો છે કે જ્યાં પર્યટન અને તેના વિકાસની સૌથી વધુ સંભાવનાઓ છે અને ત્યાં પ્રવાસન વિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં નાણાંનું રોકાણ પણ થઈ રહ્યું છે, પરંતુ તે જ સમયે આ વિસ્તારો આબોહવામાં બદલાવને કારણે ગંભીર જોખમ હેઠળ છે.ભારતનો પ્રવાસન ઉદ્યોગ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા વિકાસના માર્ગ પર છે. જો આપણે કેટલાક તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વર્ષ પ્રતિ વર્ષ વધતી જાય છે.2019માં 10.04 મિલિયનની સરખામણીએ વર્ષ 2021 દરમિયાન વધીને 10.56 મિલિયન હતી જેમાં 2023માં નવ ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. પરંતુ જલવાયુ પરિવર્તનની પર્યટન ઉદ્યોગ પર કેટલીક નકારાત્મક અસરો પડી શકે છે કારણ કે આકર્ષક હવામાન ન હોય તેવા સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેવાની શક્યતા ઓછી હોય છે. જળવાયુ પરિવર્તનને કારણે તાપમાનમાં વધારો, વરસાદની પેટર્નમાં ફેરફાર, પાણીની ઉપલબ્ધતા અને ચોમાસામાં ફેરફાર જેવી આત્યંતિક હવામાન ઘટનાઓથી પ્રવાસન સંભવિતપણે પ્રભાવિત થઈ શકે છે. પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો, લોકપ્રિય પર્યટન સ્થળોમાં પાણીના સંસાધનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે પ્રવાસીઓ માટે તરવા અથવા અન્ય પાણી આધારિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે સ્થાનો શોધવાનું મુશ્કેલ બની શકે છે.
- Advertisement -
બીજું, અસમાન હવામાન ઘટનાઓ; ચોમાસાના સમયમાં ફેરફારને કારણે પ્રવાસીઓ માટે તેમના પ્રવાસનું આયોજન કરવું વધુ મુશ્કેલ બની શકે છે, જેનાથી કેટલાક વિસ્તારોમાં પ્રવાસનને અસર થશે. જો કે આ અસરો લાંબાગાળે આવશે પણ તેને નિવારવા માટેના પગલાં આજથી લેવા જરુરી છે. ત્રીજું,આત્યંતિક હવામાન ઘટનાઓ: હિટ વેવ્સ અને અન્ય આત્યંતિક હવામાનની ઘટનાઓની આવૃત્તિમાં વધારો કેટલાક વિસ્તારોને પ્રવાસન માટે પ્રતિકૂળ બનાવશે. જેના કારણે પ્રવાસન સદ્ધર લોકોના હાથની વાત રહી જશે. વળી આબોહવાની આવી વિષમતાઓમાં પ્રવાસીઓને બીમારી થવાનું જોખમ વધી શકે છે. વધુમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન: દરિયાની સપાટીમાં વધારો અને વાવાઝોડાની પ્રવૃત્તિમાં વધારો થવાથી દરિયાકિનારા અને પરવાળાના ખડકો જેવા અન્ય પ્રવાસી આકર્ષણોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર માનવીય વિક્ષેપને કારણે તોળાતો ખતરો અને તેની અસરો પર્યાવરણના માળખા પર પડી રહી છે.
તેના પરિણામ સ્વરુપે, વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓના વિતરણમાં ફેરફાર ઇકોટુરિઝમ અને વન્યજીવ-આધારિત પ્રવાસન તકોની ઉપલબ્ધતાને અસર કરી શકે છે. ઉપરાંત, કુદરતી જોખમોની આવર્તનમાં વધારો: ઉત્તરાખંડ જેવી આપત્તિઓ, જેણે દાયકાઓથી કરવામાં આવેલી અવૈજ્ઞાનિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓને કારણે જાહેર સંપત્તિને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. આના કારણે પ્રવાસનને પણ અસર થઈ છે. તેથી, ભારતના પ્રવાસન ઉદ્યોગ પર આબોહવા પરિવર્તનની સંભવિત અસરોને અનુકૂલન કરવા માટે ઘણી સંભવિત વ્યૂહરચનાઓને ધ્યાનમાં લઈ શકાય છે જેમ કે: સૌ પ્રથમ તો કાર્બન ફૂટપ્રિન્ટ ક્ધટ્રોલમાં રાખવા પ્રયત્નશીલ રહેવું. બીજું નવા પ્રવાસન સ્થળોનો વિકાસ: ભારતમાં પર્યટનના પ્રકારોમાં વૈવિધ્યીકરણ થઈ રહ્યું છે, જેમ કે ઇકો-ટૂરિઝમ, સાંસ્કૃતિક પ્રવાસન અને ટકાઉ પ્રવાસનના અન્ય સ્વરૂપોને પ્રોત્સાહન આપવું. સંશોધન અને વિકાસ: ભારતે પર્યટન ઉદ્યોગ પર જળવાયુ પરિવર્તનની સંભવિત અસરોને વધુ સારી રીતે સમજવા અને માહિતગાર નિર્ણયો લેવા માટે સંશોધન અને ડેટા સંગ્રહમાં રોકાણ કરવું ઘટે. અલબત્ત, જળવાયુ પરિવર્તન વૈશ્વિક ચિંતા છે છતાં એના પર ચિંતા કરવાથી વધુ, ઢોસ પગલાં લેવાની જરુર છે. આભ ફાટ્યું હોય ત્યાં થીગડાં મારવાની પ્રવૃત્તિથી કશું વળવાનું નથી.
આજે સમગ્ર વિશ્વ પ્રદુષણની ફેકટરી બની ગયું છે, એક એક માનવ પ્રદૂષણમાં વધારો કરનાર એકમ બની ગયું છે ત્યારે ભવિષ્ય ક્યાં જઈને ઉભું રહેશે એની કલ્પના કરવી મુશ્કેલ છે