વાવાઝોડાના સંભવિત સંકટને જોતા વહીવટ તંત્ર પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક, વાવાઝોડાને લઈને 76 ટ્રેન અને 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરાઈ
બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે અનેક જગ્યાએ પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન વહીવટ તંત્ર પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક છે. બિપોરજોય વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ કરાઈ, 33 ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા છે. આ સાથે કંડલા સહિતના બંદરો પર કામકાજ બંધ છે.
- Advertisement -
ચક્રવાતી તોફાન બિપોરજોય આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. એવું અનુમાન છે કે ગુરુવારે સાંજે જ્યારે તોફાન દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની સ્પીડ 125થી લઈને 150 કિલોમીટર સુધી રહેશે. સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે-સાથે વહીવટી તંત્ર પણ રાહત અને બચાવ કામગીરીની તૈયારીમાં વ્યસ્ત છે.
વાવાઝોડાના સંભવિત સંકટને જોતા તંત્ર સતર્ક
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને જોતાં વહીવટી તંત્ર સતર્ક છે. આ દરમિયાન હવે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લામાં ST બસ સેવા પણ બંધ કરાઈ છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. કચ્છમાં NDRFની 6 ટીમ તૈનાત કરાઈ તો ઉર્જા વિભાગની 597 ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. પોર્ટ પાસે 24 મોટા જહાજો લંગારવામાં આવ્યા છે. આ સાથે 450 હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ સજ્જ રખાયો છે તો 167 JCB, 230 ડમ્પર, 924 મશીનરી સાથે વિવિધ ટીમ સજ્જ છે. મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે.
#WATCH | Gujarat: Porbandar witnesses rough sea conditions and strong winds under the influence of #CycloneBiporjoy pic.twitter.com/NbFXJW2SHQ
- Advertisement -
— ANI (@ANI) June 15, 2023
74 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 74,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.
કચ્છમાં જ 34,300 લોકોનું કરાયું સ્થળાંતર
એકલા કચ્છમાં જ લગભગ 34,300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469, ગીર સોમનાથ જિલ્લામાં 1,605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
#WATCH | Indian Army prepared for relief and rescue operations, as cyclone Biparjoy to hit Gujarat today
(Video source: Indian Army pic.twitter.com/NiULIjJINP
— ANI (@ANI) June 15, 2023
NDRFની 18 ટીમો એક્ટિવ
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે.
આ શહેરોમાં 1-1 ટીમો કરાઈ તૈનાત
ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ટીમને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે.
મુશળધાર વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યથી કેન્દ્ર સુધી એલર્ટ મોડમાં
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.