ગઇકાલની ઘટના બાદ પણ ભાજપ-કૉંગ્રેસ આક્રમક : રેલી-દેખાવો અને આક્ષેપબાજી યથાવત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો. બાબાસાહેબ આંબેડકર અંગેના વિધાનો પર સર્જાયેલી ધમાલ અને ગઇકાલે લોકસભા પરિસરમાં જે રીતે ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધકકામુક્કી સહિતની ઘટનાઓમાં આજે પણ સ્થિતિ યથાવત રહી હતી અને કોંગ્રેસ પક્ષે સંસદ સુધી રેલી યોજી હતી.
તો બીજી તરફ ભાજપના સભ્યોએ પણ સંસદ પરિસરમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરોધી દેખાવો કર્યા હતા અને લોકસભાનું કામકાજ શરુ થતાં જ ફરી એક વખત ધમાલ થતાં આ ગૃહને હવે અચોક્કસ મુદત સુધી મુલત્વી રાખવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ રાજ્યસભામાં આજે શિયાળુ સત્રના કામકાજનો અંતિમ દિન છે અને તે સાથે જ સંસદના શિયાળુ સત્રનો અંત આવી જશે.
કોંગ્રેસે ગઇકાલની ઘટનાઓના વિરોધમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા અને માફીની માંગણી સાથે વિજય ચોકથી સંસદ ભવન સુધી રેલી યોજી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ગઇકાલની ઘટના પણ સુનિયોજીત હતી અને તે માટે ગૃહમંત્રીએ માફી માંગવી જોઇએ. આ રેલીમાં કોંગ્રેસના તમામ સાંસદો અને વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા.
બીજી તરફ સંસદના પરિસરમાં ભાજપે ફરી એક વખત દેખાવો કર્યા હતા અને રાહુલ ગાંધીના સસ્પેન્સનની માંગણી કરી હતી. લોકસભામાં આજે સત્રાવસાન જાહેર કરાયું છે અને હવે આગામી વર્ષે બજેટ બેઠક જ મળશે. જો કે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કહ્યું કે સત્રની સમાપ્તી થાય છે પરંતુ મુદો ખત્મ નહીં થાય. રાજ્યસભામાં પણ બપોરે 12 વાગ્યા સુધી ધમાલ બાદ મુલત્વી રાખવામાં આવી હતી. બન્ને ગૃહોમાં ભાજપ અને કોંગ્રેસ પોતા-પોતાના મુદ્ાને આગળ ધરીને સભા મોકુફીની દરખાસ્ત મુકી હતી પરંતુ તે હાથ ધરાઇ તેવી શક્યતા નથી.
- Advertisement -
રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવવા ભાજપની માંગ
ગઇકાલની ધમાલના મુદ્દે આજે લોકસભામાં રાહુલ ગાંધી વિરુધ્ધ ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ સાંસદ તરીકે તેમને ગેરલાયક ઠરાવવા નોટીસ આપી છે. જો કે તેના પર હાલ કોઇ કાર્યવાહી થશે નહીં કોંગ્રેસ તરફથી અમિત શાહના વિધાનો પર સભા મોકુફીની દરખાસ્ત પણ આપવામાં આવી હતી અને ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને સંસદના સભ્ય પદેથી ગેરલાયક ઠરાવવાની માંગણી સાથે દેખાવો કર્યા હતા.
રાહુલ પર FIR જુઠ્ઠી: ભાજપ ડરી ગયું છે: પ્રિયંકા
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી આજે ફરી એક વખત રાહુલના બચાવમાં આવ્યા હતા અને કહ્યું કે રાહુલ કદી કોઇને ધકો મારી શકે નહીં અને આ વાત પુરો દેશ જાણે છે. રાહુલ પરની એફઆઇઆર ખોટી છે. વાસ્તવમાં ભાજપની સચ્ચાઇ બહાર આવી ગઇ છે. તેઓ અદાણી પર ચર્ચા કરતાં નથી. આંબેડકરનું અપમાન કરે છે અને દેશના લોકોનું ધ્યાન બીજે ફેરવવા પ્રયાસ કરે છે. વાસ્તવમાં ભાજપ ડરી ગયો છે આંબેડકરજીએ બંધારણ આપ્યું તેનો ભાજપના લોકો અપમાન કરે છે. તેઓ એટલા બધા ગભરાઇ ગયા છે કે ખોટી એફઆઇઆર પણ ફાઇલ કરાવે છે.
ભાજપે પ્રિયંકાને 1984 લોહીના રંગથી લખાયેલી બેગ આપી
સંસદના સત્ર દરમ્યાન પેલેસ્ટાઇન અને બાંગ્લાદેશના મુદ્ાઓને ચમકાવતી કેરીબેગ લઇને આવેલા પ્રિયંકા ગાંધીને આજે ભાજપના સભ્યોએ 1984 લખેલી બેગ આપી હતી. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને આ બેગ આપી હતી. જેના પર 1984 લોહીથી રંગાયેલું બતાવવામાં આવી છે. 1984ના વર્ષમાં ઇન્દીરા ગાંધીની હત્યાના પગલે જે શિખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા તે માટે આ વર્ષ કુખ્યાત છે.