ગુજરાત ગેસના મોંઘા પાઈપલાઈન ગેસ સામે અદાણીએ સસ્તા ભાવે મુન્દ્રા પોર્ટથી સપ્લાય શરૂ કરી
150થી વધુ રજીસ્ટ્રેશન થયા, વધુમાં વધુ પ્લાન્ટ LPGમાં ક્ધવર્ટ થઈ રહ્યા છે: ડિસ્ટ્રીબ્યુટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનો સીરામીક ઉદ્યોગ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યો છે તો બીજી તરફ ગુજરાત ગેસ દ્વારા વારંવાર અસહ્ય ભાવ વધારો ઝીંકી દેવાતા સિરામિક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવે મોરબીના સીરામીક ઉદ્યોગને નવો વિકલ્પ મળી ગયો છે અને હવે વધારે ભાવથી ગેસ ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે એનાથી સસ્તા ભાવે ગેસ અદાણી દ્વારા પૂરો પાડવામાં આવશે જેમાં આજથી મોરબીના 70 જેટલાં સિરામિક એકમોમાં અદાણીએ ગેસ સપ્લાય શરૂ કરી દીધું છે.
મોરબીના સીરામીક ઉદ્યોગમાં રોજ 55 થી 60 લાખ ક્યુબિક મિટર ગેસનો વપરાશ થતો હોય છે અને આ નિર્વિકલ્પ જરૂરિયાત જોતા ગુજરાત ગેસ દ્વારા વારંવાર ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા અંતે મોરબીના સીરામીક ઉદ્યોગકારો પ્રોપેન ગેસ અને એલપીજી તરફ વળ્યા હતા ત્યારે ગુજરાત ગેસના વપરાશમાં સરેરાશ 20 થી 25 લાખ ક્યુબીક મીટરનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે હવેથી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાય માટે અદાણીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને આજથી 70 કરતાં વધુ સિરામિક એકમોમાં અદાણીએ ગેસ સપ્લાય શરૂ કર્યું છે.
આ અંગે મોરબીના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જણાવાયું હતું કે, આજથી અદાણી કંપની સાથે કરાર કરીને મોરબીમાં વિધિવત શરૂઆત કરવામાં આવી છે અને શરૂઆતમાં જ 70 થી વધુ સીરામીક એકમો જોડાયા છે જેમાં ફાયદાની વાત કરીએ તો, ગુજરાત ગેસ દ્વારા અલગ અલગ માપદંડો માં 61 થી 63 રૂપિયાના ભાવ સામે અદાણી દ્વારા એલપીજી ગેસ 58.15 રૂપિયાના ભાવથી આપવામાં આવશે અને મોરબીના ઉદ્યોગકારોના ઉત્પાદનમાં કોઈ અડચણ ન આવે એ માટે મુન્દ્રાથી ઝડપભેર સપ્લાય આપવામાં આવી રહી છે.
વધુમાં જ્યારે હવે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને પોતાની જરૂરિયાત મુજબના ગેસ માટે નવો વીકલ્પ મળી ગયો છે અને અદાણી દ્વારા આ ગેસ પૂરો પાડવામાં આવશે તેમજ આ નવા વિકલ્પને પ્રથમ દિવસે મોરબીના 70 જેટલા સીરામીક ઉદ્યોગકારોએ સ્વીકારી લીધો છે અને અદાણીના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જણાવાયું હતું કે, મોરબીમાં 750 કરતા વધુ સીરામીક એકમો કાર્યરત છે જેમાંથી 300 કરતા વધુ એકમો પાઇપલાઇન ગેસ અતિશય મોંઘો થવાને કારણે એલપીજી તરફ વળ્યાં છે ત્યારે એલપીજી ગેસ માટે અદાણી પાસે 150 કરતા વધુ રજિસ્ટ્રેશન થયા છે અને હજુ પણ વધુ એકમો એલપીજી તરફ જવાની તૈયારીમાં છે.