શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં એકધારા ધોવાણ વચ્ચે ગૌતમ અદાણી વિશ્ર્વના અમીરોના લીસ્ટમાં સતત પાછળ સરકી રહ્યા છે અને હવે ટોપ-25ના લીસ્ટમાંથી પણ બહાર થઇ ગયા છે. અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં જંગી ધોવાણના પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
ફોર્બ્સ અને બ્લુમબર્ગના લીસ્ટ પ્રમાણે અદાણીની કોઇ સંપત્તિ 45 ડોલર અબજથી પણ નીચે ઉતરી ગઇ છે અને ટોપ-25માંથી બહાર નીકળી ગયા છે. ફોર્બ્સના લીસ્ટમાં તેઓ 26માં સ્થાને જયારે બ્લુમબર્ગના લીસ્ટમાં 29માં સ્થાને રહ્યા છે. ફોર્બ્સના લીસ્ટ મુજબ ગૌતમ અદાણીની નેટવર્ક 43.4 અબજ ડોલર છે જયારે બ્લુમબર્ગના રીપોર્ટમાં નેટવર્ક 42.7 અબજ ડોલર ગણવામાં આવી છે.
- Advertisement -
અમેરિકી રીચર્સ કંપની હિંડનબર્ગે અદાણી સામે ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ છેલ્લા એક મહિનાથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં તેમની સંપતિમાં 3.39 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને પ્રથમ વખત સંપત્તિ પ0 અબજ ડોલરથી નીચે ઉતરી ગઇ છે.
અદાણીને વધુ એક ઝટકો : મહત્વની ડીલ રદ્દ
ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણીની તકલીફો હળવી થવાનું નામ લેતી ન હોય તેમ એક પછી એક નવી મુશ્કેલીઓ આવતી રહી છે. હવે ઓરીયેન્ટ સિમેન્ટ કંપનીએ અદાણી સાથેની મહત્વની ડીલ રદ કરી છે. ઓરીયેન્ટ સિમેન્ટ અને અદાણી પાવર વચ્ચે મહારાષ્ટ્રમાં એક સિમેન્ટ ગ્ર્રાઇડીંગ યુનિટ લગાવવા કરાર થયા હતા પરંતુ હવે ઓરીયેન્ટ સિમેન્ટ આ ડીલ રદ કરીને એવું જાહેર કર્યુ છે કે અદાણી ગ્રુપ જરૂરી કલીયરન્સ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. આ પૂર્વે ડીબી પાવર સાથેની ડીલ પણ પૂરી થઇ ન હતી અને સીટીસી ઇન્ડીયા પણ કરારમાંથી નીકળી ગયું હતું.