ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ નિમિત્તે
ભારતીય જનતા પાર્ટી દેશની લોકશાહીને મજબૂત કરવાની સાથોસાથ સમર્પણ સાથે દેશહિત માટે કામ કરી રહી છે: ઉદય કાનગડ
- Advertisement -
સક્રિય સભ્ય પાર્ટીમાં સક્રિયતાથી જોડાઈ સમાજમાં પાર્ટીની વિચારધારા ફેલાવી વિકાસનો વાહક બને છે: ડૉ. માધવ દવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતભરમાં વિધાનસભા સ્તરે પાર્ટીના સક્રિય સભ્યોના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અંતર્ગત ગીરીરાજ પાર્ટી પ્લોટ, મોરબી રોડ ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા દ્વારા વિધાનસભા-68નું સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ, કાર્યક્રમના મુખ્ય વક્તા અને પૂર્વસાંસદ હરીભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, રાજ્યના પૂર્વમંત્રી ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વપ્રમુખ કમલેશ મિરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેરના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ખીમજીભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, સરગમ ક્લબના ગુણુભાઈ ડેલાવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અંગેની ફિલ્મ દર્શાવવામાં આવી હતી, ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વિશ્ર્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય હોવું એ ગૌરવની વાત છે. સક્રિય સભ્ય પાર્ટીમાં સક્રિયતાથી જોડાઈ સમાજમાં પાર્ટીની વિચારધારા ફેલાવી વિકાસનો વાહક બને છે. ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઈઝ પાર્ટી છે, કાર્યકર્તા આધારિત પાર્ટી છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વિકાસ અને વિશ્ર્વાસનો પર્યાય બની ચૂકી છે. નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે તેનું આપણને સૌને ગૌરવ છે.
આ તકે મંચસ્થ મહાનુભાવોનું વિધાનસભા-68ના વોર્ડ નં. 3, 4, 5, 6, 15, 16ના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી તેમજ યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ, મોરચો, કિસાન મોરચો, અનુ. જાતિ મોરચાના હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડે ઉપસ્થિત અગ્રણીઓ તેમજ સક્રિય સભ્યોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે 6ઠ્ઠી એપ્રિલ, 1980ના રોજ મુંબઈના સમતાનગર ખાતે સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે તેના પાયામાં સંઘ અને જનસંઘની વિચારધારા અને તેની અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાઓ સાથે તપ, ત્યાગ અને બલિદાનોના સંસ્કારોથી સીંચાયેલ ભારતીય જનતા પાર્ટી આજે વૃક્ષમાંથી વટવૃક્ષ બની છે. દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષોથી દેશ આજે દરેક ક્ષેત્રમાં જે ઉંચાઈઓ હાંસલ કરી છે. તેણે દરેક દેશવાસીઓને એક મોટા સંકલ્પ સાથે જોડ્યા છે. વિકસિત ભારતના વિઝન સાથે આપણા પ્રધાનમંત્રી નયા ભારતની પરિકલ્પના પૂર્ણ કરવા કટિબદ્ધ છે, આજે ભારતીય જનતા પાર્ટી યુવાશક્તિ, મહિલા શક્તિ, ગરીબ, ખેડૂત શક્તિને વિકસિત ભારતનું નિર્માણ કરવાની શક્તિ બનાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં વટવૃક્ષ બને તેવી હાકલ કરતાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સક્રિય સભ્યોનો આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કરતાં ઉદય કાનગડે જણાવેલ હતું.
આ તકે કાર્યક્રમના મુખ્ય વક્તા અને પૂર્વસાંસદ હરીભાઈ પટેલે પોતાના પ્રવચનના પ્રારંભે જણાવેલ કે ઉપલો કાંઠો ધારાસભ્યમાં ખાટી ગયો છે, કારણ કે સેવા, સહકાર અને સંગઠન ક્ષેત્રે સતત કાર્યરત એવા ધારાસભ્ય મળ્યા છે ત્યારે હરીભાઈ પટેલના આ કથનને ઉપસ્થિત જનમેદની દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું.
જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયથી શરૂ કરી ભાજપના પ્રથમ અધ્યક્ષ અટલબિહારી બાજપાયી જેવા અનેકાનેક ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પણ કરી અનેક યાતનાઓ ભોગવી અવિરત સંઘર્ષ અને અનેક આંદોલનો દ્વારા અગિયાર કાર્યકર્તાથી સ્થાપના કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના નેતૃત્વમાં 17 કરોડથી વધુ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. દેશ અને રાજ્યમાં અવિરત વિકાસગંગા વહી રહી છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયાએ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ ઉપાધ્યક્ષ રમેશભાઈ પરમારે કરી હતી. કાર્યક્રમમાં વિધાનસભા-68ના શહેરના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, પ્રભારી, મહામંત્રી, મોરચાના હોદ્દેદારો, કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.