ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર શહેરના ભાવસિંહજી હોસ્પીટલ ખાતે તાજેતરમાં ડોક્ટર સાથે થયેલા ઝગડાના આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સંબંધમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના આધારે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અટકાયત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયા અને એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયાના પ્રયાસોથી આ દાદાગીરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
આ ત્રણે આરોપીઓને પાસા હેઠળ સુરત, વડોદરા અને અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. આરોપીઓમાં શરદ ઉર્ફે શરો દિનેશભાઇ રાઠોડ, સાગર ઉર્ફે ચિરાગ રમેશભાઇ સાદીયા અને કલ્પેશ પુંજાભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.
- Advertisement -
કમલાબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.આર.સી.કાનમીયાએ આ પાસા દરખાસ્ત તૈયાર કરી અને પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.લાખાણી સમક્ષ મોકલતા તેમણે આ દરખાસ્તને મંજુરી આપી હતી.