ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ કરનાર ઇસમને પાસામાં મોકલવા હુકમ થયો હતો. જે અન્વયે કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ પરથી દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીની અટકાયત કરી તેને અમદાવાદ જેલ ખાતે મોકલી અપાયો હતો. કુતિયાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે આશરે બે માસ પૂર્વે ચૌટા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી, એ દરમિયાન શંકાસ્પદ જણાતા એક ટ્રકને પોલીસે રોકી, તેની અંદર તપાસ કરી હતી. ત્યારે એ ટ્રકમાંથી મરઘાના ચણના બાચકાની આડમાં છુપાવેલી 330 પેટી એટલે કે 11,940 બોટલ જેટલી અલગ- અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી પોલીસે આ ટ્રકના ચાલક મુકેશ જગન ગાડગે (રહે. બાઈગામ, જિ. ઈન્દોર, એમ.પી. રાજ્ય) નામના શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો કુલ રૂપિયા 24 લાખ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ ઈન્ચાર્જ એલ.સી.બી. પી.આઈ. આર.કે. કાંબરીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.ધાનાણીએ આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઈસ્યુ થયું હતું, ત્યારબાદ પાસા વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલ ખાતે મોકલી અપાયો હતો.