ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. મહાનગરપાલિકાની દબાણ શાખા અને ટ્રાફિક પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી. શહેરના એમ.જી. રોડ, માંગનાથ રોડ, પંચહાટી ચોક અને ચિતાખાના ચોક વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી. દુકાનદારોએ દુકાનની બહાર મૂકેલી ચીજવસ્તુઓ અને લારીઓને દૂર કરવામાં આવી. ખાસ કરીને ચિતાખાના ચોક વિસ્તારમાં લોકોની અવરજવરમાં મુશ્કેલી થતી હતી. તેથી ત્યાંથી લારીઓ દૂર કરવામાં આવી છે. આ દબાણો શહેરના ટ્રાફિક માટે મોટી સમસ્યા બની રહ્યા છે. ભવિષ્યમાં પણ આવા દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે. નિયમ વિરુદ્ધના લારી-ગલ્લા અને દુકાનો બહારના દબાણને મંજૂરી આપવામાં નહીં આવે.