જૂનાગઢ જિલ્લામાં શાળાઓ બહાર વાહન ચેકિંગ ડ્રાઈવ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડિયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ સગીર વયના વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાયસન્સ વગર વાહન ન ચલાવવા અંગે અગાઉ સોશિયલ મીડિયા, અખબારો અને શાળાઓમાં જાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, આ બાબતની ગંભીરતા ન જણાતા પોલીસે વાહન ચેકિંગનું વિશેષ અભિયાન ચલાવ્યું હતું.
- Advertisement -
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જુદી જુદી શાળાઓ બહાર વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ 147 વાહનો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ શહેર 90, જૂનાગઢ ગ્રામ્ય 23, વિસાવદર 06, કેશોદ 10, માંગરોળ 18 આમ જિલ્લામાં પોલીસે ખાસ ડ્રાઈવ યોજી વાહનો ડિટેઇન કરાયા હતા. જયારે મેંદરડામાં પોલીસે બે વાલીઓ વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પ્રથમ બનાવમાં, પાદર ચોક ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક મોટરસાયકલ ચલાવી રહેલા સગીર વયના યુવકને રોક્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હતું. આ અંગે પોલીસે યુવકના પિતા મહેબુબખાન ફતેહખાન બ્લોચ રહે. સાતવડલા વિરુદ્ધ કાર્યવાહી હાથધરી હતી. બીજા બનાવમાં, તે જ સ્થળે ચેકિંગ દરમિયાન અન્ય એક સગીર યુવક લાઈસન્સ વગર મોટરસાયકલ ચલાવતો પકડાયો હતો. આ કિસ્સામાં પોલીસે યુવકના પિતા અકબરભાઈ બાબુભાઈ મોરી રહે. સાતવડલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.