ગેરકાયદે ખનિજ વહન કરતા 14 ડમ્પર સહિત 7 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને “નથી કાયદાનો ડર કે નથી અધિકારીઓની બીક” તેવો ઘાટ સર્જાયો છે. ખનિજ માફીયાઓ સોશિયલ મીડિયાને જ હથિયાર બનાવી ગેરકાયદેસર ખનન પ્રવૃતિ કરતા અન્ય ખનિજ માફિયાઓને અધિકારીઓના પળેપળના લોકેશન આપી ખનીજના દરોડાથી બચી રહ્યા છે અને એમાંય જો ભૂલેચૂકે એકાદ અધિકારી અથવા કર્મચારી દરોડો કરવા સ્થળ પર પહોંચી જાય તો ધમકીઓ આપી તેને પણ ભગાડી મૂકવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ખનન સાથે અસમાજિક પ્રવૃતિ કરતા ખનિજ માફિયાઓની વારંવાર દાદાગીરી સામે આવે છે તેવામાં અધિકારીઓ પણ હવે આ માથાકુટમાં પડવા રાજી નથી પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશથી ન છૂટકે ખનિજ દરોડા કરવાની કામગીરી કરવી પડે છે ત્યારે વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજભાઈ ધુળા, અનિરુધ્ધસિહ ચાવડા, બીજલભાઈ, ક્રિપાલસિહ, ચેતનભાઈ સહિતનાઓ દ્વારા જુદીજુદી જગ્યા પર થતા ખનિજ ચોરીના લોકેશન લઈ તપાસ હાથ ધરી હતી જેમાંથી વઢવાણના ધરમ તળાવ પાસેથી ખનિજ વહન કરતા બે ડમ્ફર, ખોડી ગામેથી પથ્થર ભરી લઈ જતા બે ટ્રક તેમજ વસ્તડી અમદાવાદ હાઇવે પરથી દશ ડમ્ફર એમ કુલ 14 ડમ્ફર ઝડપી પાડી એક કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ખનિજ પ્રવૃતિ રોકવા માટે અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફને અટકાવી ધમકી મારી માથાકુટ કરતા લખતરના મેરુભાઈ વજાભાઈ કળોતરાને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મોરબી, પાટણ, મહેસાણા, કચ્છ અને રાજકોટ એમ કુલ આઠ જિલ્લામાંથી તડીપાર કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.