ઘેડના ગ્રામ્ય વિસ્તારને પૂરથી સંરક્ષણ આપવા સરકારનો પ્લાન
ઘેડમાં નુકસાનીનો સર્વે કરવાનો આદેશ: કેન્દ્રિય મંત્રી માંડવીયા
દરવાજા મૂકીને મધુવંતી નદીના પાણીનો નિકાલ કરાશે: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
ઘેડ પંથકને પૂરથી બચાવવા રાજ્ય સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેની કિંમત અંદાજે 150 કરોડના ખર્ચે પ્લાન તૈયાર કરી ઘેડની સમસ્યાનો ઉકેલ લાવવા સરકરે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં ચોમાસાની સીઝનમાં ઘેડ પંથકની બે મોટી ઓઝત અને મધુવંતી નદીનાં પાણી ભેગાં થાય છે. આ વિસ્તાર મોટે ભાગે સપાટ વિસ્તાર છે, એટલે સ્વાભાવિક છે કે નદીઓનાં પાણી વધારે આવે, એટલે ખેતરમાં ફેલાઈ જાય બીજી તરફ દરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કે પાણીના નિકાલ કરવામાં તકલીફ થાય છે. ઉનાળામાં પીવાનું પાણી મળે નહીં અને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.આ માટે સિંચાઈ વિભાગમાંથી ક્ધસલ્ટન્સી નક્કી કરી છે અને સર્વે કરવા માટે પણ આદેશ અપાયો હતો.
આ તકે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મતવિસ્તારના સાંસદ ડો .મનસુખભાઈ માંડવિયાએ ઘેડ વિસ્તારના ટીકર, આખા, બામણાસા, બાલાગામ, મટિયાણા, માણાવદર સહિતનાં ગામોના-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી તેમજ જ્યાં પાણી ભરાય છે એ કાંઠા વિસ્તારમાં પણ નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન ઘેડ વિસ્તારમાં નુકસાનીનો સર્વે, રસ્તાઓની મરામત, સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને છ-સાત મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠામાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ અંગે રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દરવાજા મૂકીને મધુવંતી નદીનું પાણી કાઢવા માટે અને દરિયાનું પાણી અંદર ન આવે એ માટે પુણેની એજન્સી મારફત સર્વે કરાવ્યો છે. પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે વિભાગ મારફત વ્યવસ્થા કરીએ છીએ. સિંચાઈનું પાણી ખેતી માટે જરૂરી છે એટલે થોડું પાણી ભરાય એ પણ જરૂરી છે. ઘેડ વિસ્તારમાં વગર પાણીએ શિયાળુ પાક થતો હોય તો પાણીનું રિચાર્જ થાય એ પણ જરૂરી છે.
- Advertisement -
પીવાના પાણી અને સિંચાઈના પાણીને મહત્ત્વ આપીને ખેતીમાં નુકસાન ન થાય, જમીનનું ધોવાણ ન થાય એ માટે નદી ઊંડી કરીએ છીએ. આ રીતે સિંચાઈના પાણી માટે અને ઘેડ વિસ્તારમાં પૂરનું પાણી વધારે નુકસાન ન કરે એ માટે સિંચાઈ વિભાગ મારફત આયોજન કરી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે અમીપુર ડેમનું પાણી રોકાય એ માટેની પણ વ્યવસ્થા કરી છે. મધુવંતી ડેમમાં ઉપરથી જે વધારે પાણી આવે છે એને ચેક ડેમ બનાવી રોકી શકાય. એ જ પ્રમાણે ગીરના જંગલમાંથી ઓઝત નદીમાં પાણી આવે છે તેની વચ્ચે ચેકડેમ બનાવી રોકી શકાય, એ માટેનાં ક્ધસલ્ટન્સી અને ટેન્ડર કર્યાં છે.જયારે માણાવદરની મુલાકાતમાં પણ આ વિસ્તારનો નકશો જોઈને નિરીક્ષણ કર્યું હતું અને ગઈકાલે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ માણાવદર જે એમ પાનેરા શૈક્ષણિક સંકુલ ખાતે મુલાકાતે આવ્યા હતા અહીં ઘેડ પંથકનો નકશો જોઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને આ બાબતે અધિકારીઓ અને અગ્રણીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારનો પણ સહયોગ રહેશે
આ અંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ક્ષાર નિયંત્રણ યોજના હેઠળ કેનાલ સ્પ્રેડિંગ થાય, દરિયાનું વધારાનું પાણી અંદર ન આવે અને ઘેડ વિસ્તારનું વધારાનું પાણી જતું રહે એની વ્યવસ્થા મનસુખ માંડવિયા કરાવશે. રાજ્ય સરકારની સાથે ભારત સરકારનો પણ સહયોગ લઈશું.
પંથકના 100થી વધુ ગામમાં અસર
સોરઠમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં 100થી વધુ ગામો આવ્યાં છે.આ વિસ્તારમાં મોટા ભાગનાં ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે. આઠ માસ સુધી મોટા ભાગનાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરખમ નુકસાન થાય છે. આ સિવાય લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ નષ્ટ થઈ જાય છે. ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવાતાં નથી. જ્યારે તજજ્ઞો કહે છે કે આ વિસ્તાર દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જવા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે, પરંતુ આ પરિસ્થિતિને કારણે ઘેડ પ્રદેશમાં આવેલાં ગામોની હજારો વીઘાથી વધુ જમીન દર વર્ષે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તમામ પાક નુકસાનગ્રસ્ત થઈ જાય છે.



