હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમમાં અરજીઓ: સમાજને એ ખ્યાલ હોવો જોઇએ કે જો કાયદાનો ભંગ કર્યો તો કાર્યવાહી પણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની નફરત ફેલાવનારા ભાષણોની સામે કાર્યવાહી જરૂર થવી જોઇએ. હેટ સ્પીચ મુદ્દે થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. આ અરજીઓમાં નફરતભર્યા ભાષણો સામે એક પ્રશાસનિક માળખુ તૈયાર કરવાની માગ કરાઇ છે. આગામી વર્ષે ફેબુ્રઆરીમાં આ અરજીઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતા વાળી બેંચે કહ્યું હતું કે અમે ઘૃણા ફેલાવનારા ભાષણોની સમસ્યાની દેશભરમાં દેખરેખ ના રાખી શકીએ. ભારત જેવા મોટા દેશમાં સમસ્યાઓ તો હોય છે પણ સવાલ થવો જરૂરી છે કે શું આપણી પાસે આ નફરત ભર્યા ભાષણોને પહોંચી વળવા માટે કોઇ પ્રશાસનિક તંત્ર છે?
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસવીએન ભટ્ટી પણ બેંચમાં સામેલ છે. મામલાની આગામી વર્ષે ફેબુ્રઆરીમાં સુનાવણી માટે સહમત થયેલી સુપ્રીમની બેંચે કહ્યું હતું કે સમાજને એ જાણકારી હોવી જોઇએ કે જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે બાદ કાર્યવાહી પણ થશે. અમે આવી કાર્યવાહીઓ દેશભરમાં ના કરાવી શકીએ નહીં તો દરરોજ અરજીઓ આવવા લાગશે. જોકે સુપ્રીમે એક પ્રશાસનિક તંત્રની વ્યવસ્થા માટે સહમતી વ્યક્ત કરી હતી. હવે આ મામલે આગામી વર્ષે ફેબુ્રઆરી મહિનામાં સુનાવણી થશે.
ઉશ્કેરણીજનક ભાષણ સામે કાર્યવાહી જરૂરી : સુપ્રીમ
