નાગરિકતા સંશોધન કાયદો (CAA) હવે જ્યાં દેશમાં લાગુ થઈ ગયો છે, ત્યારે તેને લઈને દેશમાં ફરી એકવાર ચર્ચાનું બજાર ગરમાયું છે, આ પહેલા પણ આ કાયદાને લઈને ઘણી ચર્ચા થઈ ચુકી છે અને ભૂતકાળમાં ઘણી જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો છે, લોકસભા તેમજ રાજ્યસભામાં બહુમતી સાથે પસાર થયા બાદ રાષ્ટ્રપતિની પણ મહોર લાગીને કાયદો બની ગયો હોવા છતાં પણ તેના વિરુદ્ધ પ્રદર્શનો થઈ ચૂક્યાં છે
નાગરિકતા સંશોધન કાનૂન શું છે?
- Advertisement -
નાગરિકતા સંશોધન કાનૂન ડિસેમ્બર 2014 પહેલા ભારત આવી વસેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વિશેષ જોગવાઈ છે. આ બીલમાં, ઉપરોક્ત ત્રણ દેશના મુસ્લિમોને નાગરિકતા આપવા અંગે જોગવાઈ નથી. સરકારની દલીલ એવી છે કે ઉપરોકત ત્રણ દેશ ઇસ્લામિક દેશ છે જ્યાં ધર્મને આધારે મુસ્લિમો પર અત્યાચાર થતા નથી એટલે મુસ્લિમોને આ કાયદામાં સમાવવાની આવશ્યકતા નથી. નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણ પછી ત્રણ પડોશી મુસ્લિમ બહુમતી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી જે લોકો ડિસેમ્બર 2014 સુધી ધાર્મિક પ્રકારના અત્યાચારનો સામનો કરીને ભારત આવ્યા છે તેઓને ભારતીય નાગરિકતા મળશે. આમાં બિન-મુસ્લિમ લઘુમતીઓ-હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે.નાગરિકતા સંશોધન બિલપહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. ડિસેમ્બર 2019માં લોકસભામાં તેને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું.
આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી 10 જાન્યુઆરી, 2020 ના રોજ મળી હતી. CAA ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન મેનિફેસ્ટોનો એક ભાગ આ બીલ હતો. અલબત્ત કાયદો બન્યો હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નહોતો. અને હવે કાનૂન મંત્રાલયે વર્ષ 2019માં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા આ કાયદાને અમલી બનાવ્યો છે. આ કાયદાના અમલીકરણમાં આવિલંબ મુખ્યત્વે બે કારણોસર છે: એક, આ બીલના સંદર્ભે દેશના કેટલાક ભાગોમાં સામૂહિક વિરોધ ફાટી નીકળ્યો, જેના કારણે આંદોલનકારીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું અને બીજું, કોવિડનો સમયગાળો.
કોઈપણ વ્યક્તિ જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાય સાથે સંબંધ ધરાવે છે તે આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે
- Advertisement -
અલબત્ત, આ કાયદાના અમલીકરણ પહેલા જ છેલ્લા બે વર્ષમાં 9 રાજ્યોના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને ઉખને ત્રણ દેશોમાંથી આવતા બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોને ભારતીય નાગરિકતા આપવાની વિશેષ સત્તા આપવામાં આવી છે. નાગરિકતા 2021-22 માટે ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. જે 9 રાજ્યોને નાગરિકતા આપવામાં આવી છે તેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે. અત્રે એ જણાવી દઈએ કે આ કાયદો પસાર થવાથી દેશમાં વર્ષ 2019-20માં ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. તેથી જ ચૂંટણીઓ માથે છે ત્યારે આ સંવેદનશીલ સમયકાળમાં ફરી કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણો પર પણ નજર રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મનમાં પ્રશ્ર્ન ઉદભવવો સ્વાભાવિક છે.
નાગરિકતા સંશોધન કાનૂનથી કોને ફાયદો થશે?
વાસ્તવમાં, આ કાયદો તે વિદેશીઓ માટે છે જેઓ ભારતીય નાગરિકતા માટે અરજી કરે છે. કોઈપણ વ્યક્તિ જે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાય સાથે સંબંધ ધરાવે છે તે આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે આ કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન, આ ત્રણ દેશની જ અને ત્યાંની લઘુમતી ગણાતી કોમની વ્યક્તિને જ ભારતીય નાગરિકતા આપવા સંબંધિત છે. કે જે 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ્યા છે. તેમાં તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે કે જેઓ કેન્દ્ર સરકાર દ્વારા અથવા પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ, 1920ની કલમ 3 ની પેટા-કલમ (2) ની કલમ (ભ) ના આધારે અથવા વિદેશીઓની જોગવાઈઓની અરજી દ્વારા પ્રતિબંધિત છે. અધિનિયમ, 1946 અથવા તેના હેઠળના કોઈપણ નિયમ અથવા આદેશ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
હાઈલાઇટ્સ…
CAA દ્વારા રજૂ કરાયેલા સુધારાઓ બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોને લાગુ પડતા નથી. આ , મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં સ્વાયત્ત આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે. આનો અર્થ એ થયો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ધર્મના આધારે ઓળખાયેલા સમુદાયોના વસાહતીઓ જો આ વિસ્તારોના રહેવાસી હોય તો તેમને ભારતીય નાગરિકતા આપી શકાતી નથી.
CAA ઇનર-લાઇન પરમિટ સિસ્ટમ ધરાવતા રાજ્યોને પણ લાગુ પડતું નથી – મુખ્યત્વે ઉત્તર-પૂર્વ ભારત. જ્યાં દેશના અન્ય રાજ્યોમાં રહેનાર વ્યક્તિને મર્યાદિત સમય માટે આ રાજ્યોમાં પ્રવેશવા અને રહેવા માટે જરૂરી વિશેષ પરમિટ લેવી પડે છે. ઈંકઙ સિસ્ટમ અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, લક્ષદ્વીપ અને હિમાચલ પ્રદેશમાં કાર્યરત છે.
CAA આવા સ્થળાંતર કરનારાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાં અથવા ભારતમાં વધુ રોકાણ કરવા માટે કોઈપણ કાનૂની કાર્યવાહીથી પ્રતિરક્ષા આપે છે. જૂના કાયદા હેઠળ, નાગરિકતા માટે લાયક બનવા માટે સ્થળાંતર કરનારને “ઓછામાં ઓછા 11 વર્ષ” ભારતમાં રહેવું પડતું હતું. ઈઅઅ એ તેને ઘટાડીને પાંચ વર્ષ કરી છે.
કાયદાનો હેતુ શું છે?
આ કાયદો લાવવાનો હેતુ ભારતના પડોશી દેશોમાં રહેતા બિન-મુસ્લિમ લઘુમતીઓ કે જેઓ ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને પોતાનો દેશ છોડી ભારત આવ્યા છે તેને નાગરિકતા આપવાનો છે. પાડોશી દેશોમાં લઘુમતીઓની દયનીય સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો હતો.
ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના થોડા દિવસો પહેલા જ અમલમાં મુકવામાં આવેલો નવો કાયદો લોકસભાની ચૂંટણીમાં, ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળ અને આસામમાં ધ્રુવીકરણ કરવા માટેની રાજરમત: વિપક્ષ
અમુક લોકો કયા-કયા મુદ્દે CAAનો વિરોધ કરી રહ્યા છે?
ઈઅઅનો બે આધારો પર વિરોધ કરવામાં આવી રહ્યો છે – એક તો મુસ્લિમો સામે ભેદભાવ અને બીજું, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર, 2020 અપડેટ પર તેની સંભવિત અસર અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ તૈયાર કરવાની બીજી વિવાદાસ્પદ દરખાસ્ત. વળી આ મુદ્દે સરકાર પર તેના હિન્દુત્વના એજન્ડાને અનુસરવાનો આરોપો પણ મુકાય છે. સીએએ આસામમાં વિરોધની પૃષ્ઠભૂમિમાં આવ્યું હતું, જ્યાં જૂન 2018 માં, લગભગ 20 લાખ લોકોને નાગરિકોની ડ્રાફ્ટ સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા કારણ કે તેઓ રાજ્યમાં તેમના નિવાસના દસ્તાવેજી પુરાવા સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હતા. તે સમયે ઓછામાં ઓછા છ કોંગ્રેસ અને ડાબેરી શાસિત રાજ્યો – પંજાબ, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની વિધાનસભાઓએ ઈઅઅના અમલીકરણ સામે ઠરાવો પસાર કર્યા હતા અને કેન્દ્ર સરકારને આ સુધારા પાછા ખેંચવા વિનંતી કરી હતી.આસામમાં ઈઅઅનો વિરોધ મુખ્યત્વે 1985ના આસામ સમજૂતી અને ગછઈ પ્રક્રિયા પર તેની સંભવિત અસર અંગેની ચિંતાઓથી ઉદ્ભવે છે. આસામ સમજૂતીનું ઉલ્લંઘન એ રીતે કે કેન્દ્રમાં રાજીવ ગાંધી સરકાર અને આસામ ચળવળના નેતાઓ વચ્ચે, બાંગ્લાદેશથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારા લોકોના મુદ્દે છ વર્ષ લાંબી ચળવળ ચાલી જેમાં 24 માર્ચ, 1971 પછી બાંગ્લાદેશમાંથી આસામમાં પ્રવેશતા વ્યક્તિઓની શોધ અને દેશનિકાલને ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે. ઈઅઅ ના વિરોધીઓ દલીલ કરે છે કે કેટલાક બીજા દેશમાંથી અહીં ગેરકાયદે વસવાટ કરનારાઓ માટે નાગરિકત્વનો માર્ગ પૂરો પાડવો એ આસામ એકોર્ડની ભાવનાનું ઉલ્લંઘન કરે છે, જે રાજ્યમાં ભાવનાત્મક મુદ્દો છે.
વિપક્ષો શું કહે છે?
કોંગ્રેસનું કહેવું છે કે બિનસાંપ્રદાયિકતાની સંવિધાનીક વિભાવનાને આહત કરનાર આ બિલ ભેદભાવપૂર્ણ છે કારણ, અહીં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યાં છે.
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના થોડા દિવસો પહેલા જ અમલમાં મુકવામાં આવેલ નવો કાયદો લોકસભાની ચૂંટણીમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં ધ્રુવીકરણ કરવા માટેની રાજરમત છે. નોટિફિકેશનનો સમય સૂચક છે. કારણ કે એકાદ બે દિવસમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે અને ત્યાર બાદ આદર્શ આચારસંહિતા લાગુ થઈ શકે છે.
નિયમોને સૂચિત કરવાનો સમય અગાઉ જણાવ્યા મુજબ, ઈઅઅ લગભગ ચાર વર્ષ પહેલા પસાર કરવામાં આવ્યો હતો. સંસદીય કાર્યવાહી માર્ગદર્શિકા મુજબ, કોઈપણ કાયદા માટેના નિયમો રાષ્ટ્રપતિની સંમતિના છ મહિનાની અંદર ઘડવામાં આવ્યા હોવા જોઈએ અથવા સંસદના બંને ગૃહોમાં ગૌણ કાયદા પરની સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગણી કરવી જોઈએ. તો સરકારની દલીલ છે કે 2020થી, ગૃહ મંત્રાલય સંસદીય સમિતિઓ પાસેથી નિયમિત અંતરાલમાં વિસ્તરણ લઈ રહ્યું છે.અગ્રણી વિરોધ પક્ષો 2019થી દલીલ કરે છે કે કાયદો ભેદભાવપૂર્ણ છે કારણ કે તે મુસ્લિમોને લક્ષ્ય બનાવે છે, જેઓ દેશની લગભગ 15% વસ્તી ધરાવે છે. વળી, દેશના નાગરિકોને ભોગે વોટબેંક વિસ્તારવાની આ રાજનીતિમાં દેશના નાગરિકોને જ સીધું નુકસાન છે.
આ કાયદો ફક્ત તે લોકો માટે છે જેમણે વર્ષોથી અત્યાચાર સહન કર્યા છે અને ભારત સિવાય વિશ્ર્વમાં અન્ય કોઈ દેશમાં જેને આશ્રય નથી
સરકાર સમજાવે છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતા ઇસ્લામિક પ્રજાસત્તાક હોવાથી, મુસ્લિમોને અત્યાચારી લઘુમતી ગણી શકાય નહીં. જો કે, તેઓ ખાતરી આપે છે કે અન્ય સમુદાયોની અરજીઓની પણ કેસ-બાય-કેસ આધારે સમીક્ષા કરવામાં આવશે કેરળમાં, મુખ્યમંત્રી વિજયને જાહેર કર્યું છે કે રાજ્યમાં ઈઅઅ લાગુ કરવામાં આવશે નહીં, તેને સાંપ્રદાયિક વિભાજનને પ્રોત્સાહન આપતો કાયદો ગણાવ્યો છે. માયાવતીનું કહેવું છે કે વધુ સ્પષ્ટીકરણ સાથે આ બીલ રજૂ થવું જોઈતું હતું. મમતા દીદી હવે હિંદુ વોટબેંક ગુમાવવાની બીકે તીવ્ર તો નહીં પરંતુ ઓછો આક્રમક વિરોધ કરે છે કે પહેલા અમે આ બીલનો અભ્યાસ કરીશું અને જો એમાં બંગાળના નાગરિકોના હિતને નુકશાનકારક કશું લાગશે તો અમે તેને અમલી નહી થવા દઈએ.
સરકારના સમર્થક ત્રણ મુખ્ય આધારો પર CAAનો બચાવ કરે છે
ઐતિહાસિક જવાબદારી: CAA સમર્થકો દલીલ કરે છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓ પ્રત્યે ભારતની ઐતિહાસિક જવાબદારી અને નૈતિક ફરજ છે.
માનવતાવાદી આધારો: ત્રણ પડોશી દેશોમાં અત્યાચારનો સામનો કરી રહેલા ધાર્મિક લઘુમતીઓની દુર્દશાના પ્રતિભાવ તરીકે ઈઅઅનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. આ લઘુમતીઓ તેમના મૂળ દેશોમાં જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેના માટે વિશેષ વિચારણા અને સહાયને પાત્ર છે.
ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ: CAAનો ઉદ્દેશ્ય એવા ધાર્મિક લઘુમતીઓ માટે નાગરિકતાનો કાનૂની માર્ગ પૂરો પાડવાનો છે કે જેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે અથવા તેમના વતનના દેશોમાં સતાવણીના ડરને કારણે તેમના વિઝાની મુદત પુરી કરી છે. તેમને નાગરિકતા આપવાથી તેમને લાંબા ગાળાની સુરક્ષા અને સતાવણી સામે રક્ષણ મળશે. આ બધા ઉપરાંત વ્યવહારિક વાત કરીએ તો, ક્યા દેશમાંથી કેટલા લોકો ભારતમાં આવી વસ્યા છે અને તે ક્યાં ધર્મના છે એની કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી સરકાર પાસે નથી. એટલે દેખીતી રીતે જ આગામી વર્ષોમાં કેટલા લોકોને નાગરિકતા આપવાની રહેશે, એને જીવન નિર્વાહ માટેના રીસોર્સીસ કયાંથી પુરા પાડવા એ પ્રશ્ર્ન હજુ વગર વિચારાયેલો છે. એકબાજુ જ્યાં દેશનું યુવાધન જ રોજગારની રાહમાં છે, ગરીબી મોંઘવારી કે બેરોજગારી મુદ્દે હજુ કંઈ સંતોષજનક હાંસલ નથી કરી શકાયું ત્યાં આ એક નવી જવાબદારી લેવાનું પડકારરૂપ સાબિત થશે જેના પરિણામો તાત્કાલિક નહીં દેખાય પણ આગામી વર્ષોમાં એ ચિત્ર સ્પષ્ટ થશે. એકબાજુ જ્યાં દરવર્ષે હજ્જારો ભારતીયો ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશ પલાયન થઈ રહ્યા છે ત્યાં નવા લોકોને વસાવવાનું કેટલું યોગ્ય! બીજું, સુરક્ષાના પ્રશ્ર્ને પણ આ મુદ્દો સંવેદનશીલ સાબિત થઈ શકે છે. આ ત્રણેય ઇસ્લામિક દેશ ત્રાસવાદ સંદર્ભે જોખમી સાબિત થઈ શકે એમ છે. જો ઉપરોકત દેશમાંથી આવી વસેલા લોકોને નામે અન્ય કોઈ જોખમી તત્વો દેશમાં ભરાઈ પડે તો એ પછીની ગંભીરતા સમજી શકાય છે.
આ કાયદા વિશે સરકાર શું કહે છે
ભારતનું બંધારણ સરકારને તેમના દેશોમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા શરણાર્થીઓને માનવતાવાદી દ્રષ્ટિકોણથી નાગરિકતા આપવાનો અધિકાર આપે છે. CAA પુનર્વસન અને નાગરિકત્વ માટેના કાનૂની અવરોધો દૂર કરવામાં અને દશકોથી પીડાતા શરણાર્થીઓને ગૌરવપૂર્ણ જીવન આપવામાં મદદ કરશે. સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકત્વના અધિકારો શરણાર્થીઓની સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક ઓળખનું રક્ષણ કરશે જ્યારે આર્થિક, વ્યાપારી, મુક્ત હિલચાલ અને મિલકતની ખરીદીના અધિકારોને સુનિશ્ચિત કરશે.આ કાયદો ફક્ત તે લોકો માટે છે જેમણે વર્ષોથી અત્યાચાર સહન કર્યા છે અને ભારત સિવાય વિશ્વમાં અન્ય કોઈ દેશમાં જેને આશ્રય નથી.વિપક્ષી ક્રમાંકની તીવ્ર ટીકા વચ્ચે, કેન્દ્રએ સ્પષ્ટપણે કહ્યું કે ઈઅઅ ધર્મને આધારે કોઈપણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવી લેશે નહીં. એ વારંવાર સ્પષ્ટ કરવામાં આવે છે કે આ કાયદો ભારતના કોઈપણ નાગરિકને તેની નાગરિકતાથી વંચિત રાખવાની કે તેને નાગરિકતા આપવાની વિશેષ જોગવાઈ નથી. આ કાયદો ભારતમાં વસનાર માટે છે પણ કોઈ ભારતીય માટે નથી. આ કાયદો પુનર્વસન માટેના કાયદાકીય અવરોધોને દૂર કરશે અને નાગરિકતા સંદર્ભે દાયકાઓથી પીડાતા શરણાર્થીઓને સન્માનજનક જીવન આપશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.