29 વર્ષ પહેલાં માળિયા હાટિના તાલુકાના લાડુડી ગામની સીમમાં ખેતીની જમીનમાં પાણીના નિકાલ બાબતે તકરાર થતા હત્યા કરાઈ હોવાનો આરોપ હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના લાડુડી ગામની સીમમાં થયેલી હત્યાના કેસમાં બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા કેશોદ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો. ખેતીની જમીનમાં પાણીના નિકાલ બાબતે આરોપીઓએ એક સંપ કરી તિક્ષ્ણ હથિયારથી જાનથી મારી નાંખવાના ઈરાદે મરણ જનારને માર મારેલો હોવાનો આરોપ હતો.
- Advertisement -
આ કેસની વિગત મુજબ, તા. 17/9/1996ના રોજ મરણ જનાર રામદેભાઈ કેશવભાઈ ગોરડના પુત્ર જેસાભાઈ દ્વારા વેરાવળ તાલુકાના માળિયા હાટિના પોલીસ સ્ટેશનમાં પોતાના પિતાનું ખૂન થયું હોવાની ફરીયાદ નોંધાવતા જણાવેલ હતું કે, બનાવના દિવસે પરિવાર ખેતરે હતો. દેવગામમાં રહેતા અરશી કાનાએ બાજુમાં આવેલા ખેતર થોડા સમય પહેલા વેચાતું લીધેલ. દરમિયાન અરશીભાઈ તથા તેનો એક છોકરો અને એક ત્રીજો વ્યક્તિ ત્યાં આવેલ. અમારા ખેતરમાં પાણી આવવુ ન જોઈએ તેમ કહીં અપશબ્દો કહેવા લાગ્યા. પાઈપ, કોદાળી અને કુહાડી જેવા હથિયારોથી મરણ જનાર રામદેવભાઈ, તેના બે પુત્ર જેસાભાઈ તથા ગીગાભાઈને માર મારવા લાગેલા હતા. રામદેવભાઈને માથામાં કુહાડીનો ઘા મારતા તેમને લોહી લુહાણ અને ગીગાભાઈને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં રામદેવભાઈનું મોત નીપજ્યું હતું.
માળિયા હાટીના પોલીસે અરશી કાનાભાઈ, ગોવિંદ કાનાભાઈ, બાબુ અરશીભાઈ અને રામા વીરાભાઈ કારડીયા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. કેસ ચાલતા ફરિયાદી પક્ષે 37 દસ્તાવેજી પુરાવા, 18 સાહેદ તપાસવામાં આવેલા. ચાલુ ટ્રાયલમાં આરોપી અરશીભાઈ અને ગોવિંદભાઈનું અવસાન થયું હતું. જેથી આરોપી બાબુ અને રામા સામે કેસ ચાલી જતા આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરેલી કે, એફ.એસ. એલ. રીપોર્ટ ફરીયાદ પક્ષને સમર્થન કરતો હોવા છતા બ્લડ સેમ્પલના અભાવે તેમજ હથિયારોની ડિસ્કવરી ગેરકાયદેસર હોવાના કારણે એફ.એસ.એલ. રીપોર્ટની ગુણવતા પર આધાર રાખી સજા થઈ શકે નહી જેથી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવા બચાવ પક્ષેને કોર્ટે વિનંતી કરેલ હતી. દલીલો ધ્યાને લઇ કેશોદના એડી. સેશન્સ જજ એમ.જી. દવેએ બંને આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિ2ાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત, વગેરે રોકાયા હતા.