ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
બનાવની હકીકત જોતાં ફરિયાદી કિશોરભાઈ ભવાનભાઈ કોશીયાએ એવી ફરિયાદ આપી હતી કે તા. 3-7-2015ના રોજ તેઓના ભાઈ મનોજભાઈ મોટર સાયકલ લઈ તેના પત્ની રેખાબેન તથા તેની દીકરી વિરા તેમજ ફરિયાદીની દીકરી આંશીને સાથે લઈ જૂના માર્કેટિંગ યાર્ડના સર્વિસ રોડ પર જતા હતા ત્યારે એક એસન્ટ કાર નં. જીજે-14-ઈ-7844ના ચાલક દ્વારા ગાડી એકદમ પૂરઝડપે ચલાવી એસન્ટ ગાડી મેઈન રોડથી ડીવાઈડર કુદાવી સર્વિસ રોડ પર આવી તેઓના ભાઈ તથા તેના પત્ની અને બંને દીકરીના મૃત્યુ નિપજાવેલું અને તે સાથે અન્ય વ્યક્તિને પણ ઈજાઓ કરેલી હતી અને આ બનાવમાં ચારેય વ્યક્તિઓ મૃત્યુ પામતા જે અનુસંધાને થોરાળા પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા આઈ.પી.સી. કલમ 304 તથા એમ.વી. એક્ટની કલમ 177, 184, 134 મુજબનો ગુન્હો નોંધેલ હતો, ત્યાર બાદ ગુન્હા અનુસંધાને આઈ.પી.સી. કલમ 279, 308 તથા એમ.વી. એક્ટની કલમ 185 મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને રાઘવભાઈ વજાભાઈ ઝાપડા નામના વ્યક્તિની અટક કરી જેલહવાલે કરેલા હતા.
- Advertisement -
બાદમાં ફરિયાદમાં પોલીસ દ્વારા વિવિધ પંચનામાઓ કરી સાહેદોના નિવેદનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું. ચાર્જશીટ થયા બાદ સદરહુ કેસ ચાલવા પર આવતા સદરહુ કેસમાં ફરિયાદપક્ષ તરફે અટક પંચનામાના પંચો, સ્થાનિક જગ્યાના પંચો તેમજ સાહેદો, ડોકટર તથા પોલીસ સાક્ષીઓ મળી કુલ 20 જેટલા સાહેદો આ કામે તપાસવામાં આવેલા હતા અને 39 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલા હતા.
ત્યાર બાદ કેસ ચાલી જતાં સદરહુ કેસ ફાઈનલ દલીલ પર આવેલો હતો, જેમાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલી કે આ કેસમાં આરોપી સામે કોઈ સીધો પુરાવો નથી કે કોઈ આડકતરો પુરાવો પણ મળી આવેલો નથી, તેમ છતાં પોલીસ દ્વારા આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવામાં આવેલા છે. તમામ સાહેદોના નિવેદનો જોવામાં આવે તો હાલના અરજદાર ઉપરોક્ત એસન્ટ ગાડીના ડ્રાઈવર હોય અને તેઓ ગાડી ચલાવતા હોય તેવો કોઈ પુરાવો ફરિયાદી તરફે રેકર્ડ પર આવેલો નથી તેમજ ગાડી કોની માલિકીની છે તેવો કોઈ પુરાવો રેકર્ડ પર આવેલો નથી કે ગાડી માલીકને આ કામે તપાસવામાં આવેલ નથી તેમજ અન્ય એક સાહેદ કે જેઓ હાલના આરોપી સાથે ગાડીમાં બેસેલ હતા.
તેનો પણ કોઈ પુરાવો રેકર્ડ પર આવેલો નથી તેમજ તેઓનું સી.આર.પી.સી.ની કલમ 164નું નિવેદન લેવામાં આવેલું, જે આ કેસના કામમાં રજૂ થયેલું પરંતુ તે ફકત એક સ્ટેટમેન્ટ તરીકે જ ધ્યાને લઈ શકાય પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહીં તેમજ આરોપીને સાંકળતો કોઈ પણ જાતનો પુરાવો મળી આવતો નથી તેમજ ફરિયાદપક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલો છે જેથી આરોપીને નિર્દોષ છોડી મૂકવા જોઈએ, આમ નામદાર અદાલત દ્વારા ફરિયાદપક્ષે રજૂ થયેલા પુરાવાઓ તેમજ આરોપી તરફેની દલીલો તથા આરોપી તરફે રજૂ થયેલા નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ ધ્યાને લઈ આરોપી રાઘવભાઈ વજાભાઈ ઝાપડાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો હતો. આ કામમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.