તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચનાં ACP સરવૈયા,
PSI અન્સારી અને તેના ડ્રાઈવર વિરુદ્ધ અરજી
PSI અન્સારી અને તેના ડ્રાઈવર વિરુદ્ધ અરજી
અરજદાર વિક્રમ મૈયડે CPથી લઇ CM સુધીનાને અરજી કરી
બળજબરીથી સાટાખત રદ્દ કરાવી લીધું અને જમા રકમ પણ પરત ન કરાવી
ભૂમાફિયાઓને પણ શરમાવે એવી SOGની કારીગરી
સરવૈયા, અન્સારી અને ફિરોઝે પૈસા લઈ વહિવટ કર્યાનો આક્ષેપ
ખાસ-ખબરની ઓફિસમાં અરજદાર વિક્રમ મૈયડે સરવૈયા, અન્સારી અને ફિરોઝના પાપાચારનો પર્દાફાશ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
સ્કૂલવાન ચલાવતા રાજકોટના એક નાગરિક વિક્રમ મૈયડએ તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયા અને પીએસઆઈ અન્સારી તથા તેમની ટીમ વિરુદ્ધ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એન્ટી કરપશન બ્યુરો સહિત રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદાર વિક્રમ મૈયડ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન એસીપી જયદિપ સરવૈયા અને પીએસઆઈ અન્સારીએ બળજબરીપૂર્વક ગેરકાયદે સાટાખટ રદ્દ કરાવ્યો છે. કાયદાનો દુરુપયોગ કરી ક્રાઈમબ્રાન્ચના એસીપી અને પીએસઆઈ તથા તેમની ટિમ દ્વારા અરજદાર સાથે કરવામાં આવેલા અત્યાચારોની આપવીતી વર્ણવતી અરજી આ મુજબ છે.
ગામ ધુતારપુરના રેવન્યુ સર્વે નં. 686 હે.આરે.ચો.મી. 1-99-02 તથા રે.સ.નં. 895 હે.આરે.ચો.મી. 2-67-58 જરાયત પ્રકારની ખેડવાણ જમીન કે જે ‘ધારડી’ તરીકે ઓળખાતી હોય તે જમીનના માલીક રમેશભાઈ લાધાભાઈ સંઘાણીએ આ જમીન સને 2019માં વેચવા કાઢેલ, જે જમીન મારી ખેતીની જમીન ગામ નાનીનાગાજાળ, તા. કાલાવડ, જિ. જામનગરના રે.સ.નં. 54/પૈકી 3 આવેલ હોય અને બંને જમીન વચ્ચેનું અંતર માત્ર 4 કિ.મી. હોય આ જમીન રૂા. 33,00,000/-માં બંને પાર્ટી વચ્ચે સોદો થયેલો જે સોદાની સુથી પેટે સાટાખત કરાર કબજા રહિત અનુ. નં. 421/2019, તા. 18-5-2019ના રોજ રૂા. 51,000/- દેના બેન્ક, આજી ભક્તિનગર શાખા રાજકોટના ચેક નં. 013317, તા. 18-5-2019થી તેમજ રૂા. 2,51,000/- રોકડા ચૂકવેલા. ત્યારબાદ બાકી રહેતી રકમ રૂા. 29,98,000/- 1 મહિનામાં અમારા સગાસંબંધીઓ તથા વડીલમિત્રો પાસેથી લોન લઈ અનેકવાર ટેલિફોનીક તેમજ રૂબરૂ જાણ કરેલી. અમારા એડવોકેટ કૌશિક પી. મોઢા મારફત વિશિષ્ટ કરાર પાલનની નોટીસ તા. 25-6-2019ના રોજ પાઠવેલી જે સ્વીકારવાનો ઈન્કાર કરતા આ નોટીસ તા. 27-6-2019ના રોજ પરત ફરેલી. ત્યારબાદ તા. 8-6-2019ના રોજ ધોળકીયા સ્કુલના બાળકોને લઈ તેમના ઘરે ઉતારવા જતા હોય રિદ્ધિસિદ્ધિના નાલા, રીંગ રોડ ઉપર બપોરના લગભગ 1.00 વાગ્યાની આસપાસ અચાનક સ્વીફટ કાર વ્હાઈટ કલરની મારા વાહનની આગળ આવી ઉભી રાખી દીધેલી.
- Advertisement -
વાહનચાલકને એવું પૂછતાં શું કામ મારી ગાડી ઊભી રાખી તેનો કોઈ ઉત્તર આપે તે પહેલાં જ સ્વીફટ કારમાંથી એક વ્યક્તિ ઉતરી વાહનમાં બેસી ગયેલી અને એવું જણાવેલું કે અમો રાજકોટ પોલીસ ખાતામાંથી આવીએ છીએ તને ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી. શાખામાં લઈ જવાનો છે ત્યારે મેં એવું કહેલ કે મારે સાહેબ આ સ્કુલના તમામ બાળકોને પોતપોતાની ઘરે ઉતારવાના હોય, બાળકોને ઉતારી હું જાતે એસ.ઓ.જી. શાખામાં આવી જઈશ તે વાત એ વ્યક્તિએ માનેલી નહીં અને એવું કહેલ કે હું વાહનમાં બેઠો છું ચાલ તારા તમામ બાળકોને પોતપોતાની ઘરે ઉતારી અને આપણે ક્રાઈમ બ્રાન્ચમાં જઈશું.
જેથી મેં મારા વાહનમાં રહેલ તમામ બાળકોને પોતપોતાના ઘરે ઊતારી એ અજાણ્યા વ્યક્તિ સાથે રાજકોટ સી.પી. કચેરી ઉપર આવેલ ક્રાઈમ બ્રાન્ચમાં ગયેલા. ત્યાં હાજર રહેલ એસીપી જયદીપસિંહ સરવૈયા તથા પીએસઆઈ અન્સારી તથા અન્ય પોલીસકર્મીઓ અને આરોપીના રાજકીય સગાસંબંધીઓ તેમજ જયદીપસિંહ સરવૈયાનો ડ્રાઈવર ફીરોઝ હાજર હતા. એટલું જ પૂછેલું કે મને શું કામ લાવવામાં આવ્યો છે તેવામાં તરત જ જયદીપસિંહ સરવૈયા તથા અન્સારી તેમજ બે પોલીસકર્મીઓ ફડાકા મારવા લાગેલા જેથી ગભરાઈ ગયેલો અને સરવૈયાસાહેબે કહ્યું કે તે જે જમીન ખરીદ કરેલી છે તે સાટાખત જાણી જોઈને ડમી ઉભુ કરેલ છે તે આજને આજ રદ્દ કરેલુ જોઈએ અન્યથા તને રાજકોટ કે કાલાવડ રહેવા જેવો નહીં રહેવા દઉ. અમોએ તેવુ કહેલું કે સાહેબ તમે કહો તેમ જેથી જયદીપસિંહ સરવૈયાએ મને કહેલું કે આ મારા માણસો છે તેમની સાથે બેસી જા જ્યાં મારા માણસો કહે ત્યાં ચુપચાપ સહી કરી નીકળી જજે અને તું સહી કર ત્યારે તને રૂા. 51,000/-નો ચેક આપશે એ ચેક બે દિવસમાં કલીયરીંગ થઈ જવો જોઈએ નહીંતર આજે તે જે નજારો જોયો છે તે બીજીવાર જોઈશ નહીં. એક બ્રેઝા ગાડીમાં મને બેસવાનુ કહ્યુ, અમારી સાથે સરવૈયાસાહેબનો ડ્રાઈવર ફીરોઝ હતો. ત્યારબાદ જામનગર સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-4માં લઈ ગયેલા, જ્યાં અગાઉથી રમેશભાઈ લાધાભાઈ સંઘાણી હાજર હતા. મને એવુ કહ્યું કે સમય ખૂબ જ ઓછો છે તુ ફટાફટ સહી કર અમો કંઈપણ વિચારીએ એ પહેલાં અમારી પાસેથી સહીઓ લેવા માંડ્યા તેમજ ત્યાં હાજર રહેલી એક વ્યક્તિએ મને બાજુની ઓફીસમાં લઈ જઈ એક રજીસ્ટરમાં સહી લેવડાવેલી બાકીની તમામ સહીઓ અમોને બીકના માર્યે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરી આપેલી. જ્યાં હાજર રહેલાઓ આ સાટાખત રદના કરારમાં તેમજ ઓળખ આપનારમાં હાજર હતા ત્યારે રૂા. 51,000/-નો ચેક આપેલ તેમજ તેના સિવાય અન્ય એકપણ રૂપિયો આપેલ નથી જે બાબતની અમો ફરીયાદીએ આઠ દસ દિવસ બાદ સરવૈયાસાહેબને જાણ કરેલી કે આપના કહેવા મુજબ અમોએ અમારી બેંકમાં ચેક જમા કરાવેલી છે જે રકમ અમોને મળી ગયેલી છે આગળ શું કરવાનું ત્યારે સરવૈયાસાહેબે એવું કહેલું કે તે રકમ તારી હવે તું છુટો જેથી અમો ફરીયાદીએ સરવૈયાસાહેબને જણાવેલ કે સાહેબ મેં આ જમીન લીધી ત્યારે રમેશભાઈને રકમ રૂા. 3,02,000/- આપેલ છે તો મારા બાકી નીકળતાં રૂા. 2,51,000/- ક્યારે મળશે ત્યારે સરવૈયાસાહેબે કહ્યું કે, તને તારો જીવ વહાલો છે કે રકમ, જેથી અમો ફરીયાદી ખૂબ જ ગભરાઈ ગયેલા અને તે સમયે રાજકોટ છોડી અમારા મુળ વતન ગામડે ચુપચાપ રહેવા ચાલ્યા ગયેલા હતા આ મુજબની વિગતવાર અરજી વિક્રમ મૈયડ નામની વ્યક્તિએ રાજકોટ પોલીસના તત્કાલીન એસીપી સરવૈયા અને પીએસઆઈ અન્સારી તથા તેમના ડ્રાઈવર ફિરોઝ વિરુદ્ધ કરેલી છે.
- Advertisement -