ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ફરિયાદી સંજય રમણીકભાઈ કણજારા પાસેથી રૂા. 6,00,000માં કાર ખરીદવાનું નક્કી કરી તેના રૂા. 3,00,000 આપી અસલ આર.સી. બુક મેળવી લઈ બાદ ફરિયાદીનું બોગસ આધારકાર્ડ બનાવી તેની બોગસ સહી કરી કાર બારોબાર વહેચી આર.ટી.ઓ.માં નામ ટ્રાન્સફર કરાવી આપવાના કેસમાં આરોપી ભરત દેવાભાઈ કુછડીયાને જામીન પર છોડવાનો હુકમ કોર્ટે ફરમાવ્યો છે.
આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદીએ આરોપીને રૂા. 6,00,000માં પોતાની કાર વેચવાનું નક્કી કરેલ અને તે પેટે આરોપીએ રૂા. 3,00,000 ચૂકવી અને આર.સી. બુક લઈ બાદ બાકીની રકમ ન ચૂકવી કે સદરહુ કારનો કોઈ વેચાણકરાર ન કરાવી કાર પોતાની સાથે લઈ જઈ બાદ આ કાર આરોપીએ બીજાને વેચાણ કરી દઈ ફરિયાદીનું બોગસ આધારકાર્ડ બનાવી ટી.ટી.ઓ. ફોર્મમાં બોગસ સહી કરી આ બોગસ દસ્તાવેજોના આધારે આર.ટી.ઓ.માં નામ ટ્રાન્સફર કરાવી આપેલું હતું
- Advertisement -
જેની જાણ ફરિયાદીને થતાં ફરિયાદીએ આરોપી ભરત દેવાભાઈ કુછડીયા વિરુદ્ધ ગાંધીગ્રામ પો.સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્ર્વાસઘાત, બોગસ આધારકાર્ડ બનાવવા, ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા ફરિયાદ નોંધાવેલી હતી. બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને કોર્ટે જેલહવાલે કરતાં આરોપીએ તેમના વકીલ મારફત જામીન અરજી દાખલ કરતા જામીન અરજીની સુનાવણી દરમિયાન બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના એડવોકેટ દ્વારા થયેલી દલીલ તથા સુપ્રીમ કોર્ટ તેમજ અલગ અલગ વડી અદાલતોના ચૂકાદાઓ રજૂ રાખેલા જેને ધ્યાને લઈ કોર્ટે આરોપી ભરત દેવાભાઈ કુછડીયાને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસિ. તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા.