ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
અકસ્માતગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરાયો : સમગ્ર શહેરમાં અરેરાટી
- Advertisement -
અનેક વાહનોને પણ ઉલાળ્યા : ઘટના સ્થળે જ ચારનો ભોગ : કેટલાક ઘાયલ
રાજકોટમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનોને અને 6 લોકો અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
View this post on Instagram- Advertisement -
અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સિગ્નલ વાહન ચાલકો ઉભા હતા, ત્યારે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટે લઇ અકસ્માત સર્જે છે. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર બસે 7થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરુષ હતા. સિટી બસ ચાલકો અવાર નવાર સિગ્નલ તોડતા હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે, આ અંગે તંત્રને રજૂઆત કરતાં કોઇ ધ્યાન આપતું નથી.
સીટી બસ ચાલક નશાની હાલતમાં હતો: સ્થાનિકોનો આક્ષેપ
આજે વહેલી સવારે ઈન્દીરા સર્કલ પાસે કાળમુખા સીટી બસના ચાલકે અનેક વાહનોને હડફેટે લેતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જયારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સીટી બસનો ચાલક નશાની હાલતમાં હતો જે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
લોકોનો રોષ ‘ડ્રાઈવર અમને સોંપો તો જ મૃતદેહો ઉપાડવા દઈએ!’ પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો
આજે સવારે રાજકોટનાં ઈન્દીરા સર્કલ પાસે બનેલા ગમખ્વાર અકસ્માતની દુર્ઘટના બાદ બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને વિફરેલા લોકોએ સિટી બસમાં તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો. નજરે જોનારાઓનાં જણાવ્યા મુજબ એક સમયે લોકોનો રોષ એટલો ઉગ્ર બની ગયો હતો કે તેઓએ ઘટના સ્થળેથી મૃતદેહો ઉપાડવા ન દેવાની જીદ પકડી હતી ત્યારે ઘટનાની જાણ થતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અકસ્માત કરનાર ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને માત્ર ટર્મિનેટ કરાયો: સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માગ
અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્ર્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. ત્યારે આ ઘટના અંગે લોકોએ આક્રોશ સાથે એવું પણ જણાવ્યું હતું કે, આ ડ્રાઈવર પર સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્તો પૈકી બસચાલક શિશુપાલસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે.
ડ્રાઈવર નશામાં હતો? બ્લડ સેમ્પલ લેવાયું
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બસચાલક દ્વારા સિગ્નલ ખુલતાની સાથે જ બસને આગળ હંકારી અકસ્માત સર્જી નિર્દોષ લોકોને અડફેટે લેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા હાલ ઋજક તેમજ છઝઘની મદદ લઇ મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તેમજ બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણોસર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય કરાશે: મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મનપા પોતે ફરિયાદી બની સિટી બસ એજન્સી સામે કડક પગલાં લેશે. મૃતકોના પરિવારજનોને સહાય પણ આપવામાં આવશે અને એજન્સીને એક પણ રૂપિયાનું પેમેન્ટ નહીં આપવામાં આવે. જયારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મૃતકોને રૂપિયા 15 લાખ અને ઇજાગ્રસ્તોને કુલ રૂપિયા 2 લાખની સહાય કરવામાં આવશે.
સવારના 9.52 વાગ્યે અકસ્માત થયો હતો: ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બસચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
જયારે સિગ્નલ બંધ હોય ત્યારે ટ્રાફિક થતો નથી, ચાલું થાય ત્યારે અરાજકતા સર્જાય છે
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ઉશ્કેરાયેલાં ટોળાએ બસમાં બેફામ તોડફોડ કરી રોષ ઠાલવ્યો
રાજકોટમાં અનેક ટ્રાફિક સિગ્નલો સગવડને બદલે સર્જે છે સમસ્યા
શહેરના હનુમાન મઢી, રૈયા ચોકડી, રૈયા ટેલિફોન એક્સચેન્જ, ઇન્દિરા સર્કલ, બિગબજાર સહિતની અનેક જગ્યાએ ટ્રાફિકની રોજની માથાકૂટ: રાજકોટમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો, તંત્ર અને પોલીસ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ
ઓવર બ્રિજ બન્યા, સિગ્નલ ગોઠવાયા પણ ટ્રાફિક ઘટાડવા કે મેનેજ કરવામાં તંત્ર અને ટ્રાફિક પોલીસ નાપાસ
ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેવાથી ખરેખર ટ્રાફિક વધે છે, જ્યારે સિગ્નલ બંધ કરી દેવાય છે ત્યારે મહત્તમ જગ્યાએ કોઈ ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી: લોકો સમજે છે, તો આ સામાન્ય વાત તંત્ર અને પોલીસને કેમ સમજાતી નથી? ઓવરબ્રિજની નીચે ટ્રાફિક સિગ્નલની શી જરૂર?
રૈયા રોડ પરના હનુમાન મઢીએ વ્યાપારીઓ રોજના ટ્રાફિકથી ત્રસ્ત, કાયમી વાહનોના થપ્પા લાગે છે, અહીંનું સિગ્નલ બંધ કરી દેવા લોક માંગ: અહીં સિગ્નલ બંધ હોય ત્યારે બધું સ્મૂધલી ચાલે છે