કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી પાટડી તાલુકાના બજાણા નજીક આવેલા રેલવે ફાટક પાસે ગુજરાત એસટી બસનો અને એક કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એસટી બસ અકસ્માત બાદ ખાડામાં ઘૂસી જતા બસમાં સવાર મુસાફરોનો જીવ પડીકે બંધાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
જેમાં રાધનપુર રાજકોટ રૂટની બસ પાટડીથી રાજકોટ તરફ જઇ રહી હતી, ત્યારે પાટડીના બજાણા નજીક આવેલા રેલ્વે ફાટક પાસે પહોચતા સામેથી પૂરઝડપે આવી રહેલી એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જે બંને ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ બજાણા પોલીસને થતાં બજાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. અને અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી હતી.