ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આજે કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વર્ષ 2025 માટેની બીજી એકેડેમિક કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુલ 20 જેટલા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં 68 જેટલા મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.
અભ્યાસ સમિતિ દ્વારા રજૂ કરાયેલા નવા અભ્યાસક્રમો તથા સિલેબસને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, એલ.આઇ.સી. (લોકલ ઇન્સ્પેક્શન કમિટી) દ્વારા આપવામાં આવેલા એફિલિએશન રિપોર્ટ્સને પણ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી. યુનિવર્સિટી નીતિ વિષયક અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા બાદ સર્વસંમતિથી બહાલી અપાઈ.કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણે સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, “શિક્ષણ અને કેળવણી એ જીવનની બે આંખો છે, જે વ્યક્તિને શ્રેષ્ઠ દૃષ્ટિ આપે છે.
- Advertisement -
શિક્ષણ દ્વારા રોજગારી પ્રાપ્ત થાય છે જ્યારે કેળવણી દ્વારા વ્યક્તિત્વની આંતરિક ઊંચાઈ વિકસે છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ વ્યક્તિને આત્મવિશ્વાસુ અને નિ:સ્વાર્થ બને તે માટેનું શક્તિશાળી સાધન છે. તેમજ હાલ અમલમાં આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે નીતિએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કાર્યક્ષમતા, નિયમન અને નાણાકીય માળખાને વધુ સરળ અને અસરકારક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. આ બેઠક યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને દિશાસૂચક બનાવવા માટે મજબૂત પાયાં પૂરાં પાડશે એવું સભ્યો દ્વારા પણ જણાવાયું હતું.