પ્રોફેસર દ્વારા રાજીનામાની માંગ, લેખિતમાં બદલીની બાંહેધરી મળતા મામલો થાળે પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીની એલ.ઇ. પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અઇટઙ) દ્વારા કોલેજના પ્રોફેસરની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર રુચિક જાની અને શિલ્પાબેન રાઠોડ સામે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો બાદ આ વિરોધ પ્રદર્શન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિદ્યાર્થીઓનો આરોપ છે કે પ્રોફેસર રુચિક જાની દ્વારા અવારનવાર તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ઉપરાંત, પ્રશ્નો પૂછવા પર અપમાનિત કરવા, શ્રાપ આપવા, બે-બે અઠવાડિયા સુધી લેક્ચર ન લેવા અને કોલેજે સમયસર ન આવવા જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી. આ જ પ્રકારની સમસ્યાઓ બે વર્ષ પહેલાં 27-09-2025 ના રોજ પણ ઉદ્ભવી હતી, ત્યારે પણ અઇટઙ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આ સિવાય અન્ય એક પ્રોફેસર, શિલ્પાબેન રાઠોડ, પ્રેક્ટિકલ ઓનલાઈન મોકલીને લેબમાં કોઈ કામ કરાવતા ન હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓએ કરી હતી.
વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને લઈને અઇટઙ મોરબી દ્વારા સવારે 11 વાગ્યાથી સાંજે 5:30 કલાક સુધી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આંદોલનકારીઓએ મુખ્યત્વે પ્રોફેસર રુચિક જાનીના રાજીનામાની અને સમસ્યાના કાયમી નિવારણની માંગ કરી હતી. આંદોલનના અંતે, પ્રોફેસર રુચિક જાની દ્વારા લેખિતમાં બદલીની બાંહેધરી આપવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કોલેજ પ્રશાસનને ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 10 દિવસમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.