પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન: અજ્ઞાન એક વરદાન છે.
– મેટ્રિક્સ ફિલ્મ
- Advertisement -
અમિષ ત્રિપાઠી કોઈ પરિચયના મોહતાજ નથી. ભગવાન શિવ અને રામ પર તેમણે લખેલી શ્રુંખલાઓએ વાંચકોમાં અભૂતપૂર્વ ક્રેઝ જગાવ્યો છે તેમજ આપણી પૌરાણિક કથાઓને વૈશ્વિક પટલ પર પ્રખ્યાત બનાવવામાં તેમનો સિંહફાળો છે. અત્યારે તો સાવ ચવાયેલા બની ગયેલ માયથોલોજી જોનરની ગંગોત્રી જ તેમની શિવ કથાત્રયી. પણ હવે ડગલે ને પગલે ફૂટી નીકળા પૌરાણિક લેખકોએ આ વિધાને સાવ ચીલાચાલુ બનાવી નાખી છે કારણ કે અમિષની શૈલીની તો ઘણા નકલ કરી શકે પણ તેના જેટલું ઊંડાણ ક્યાંથી લાવશે? અને આવા જ્ઞાની અને મરમી વિદ્વાન જયારે આંર્તરાષ્ટ્રીયસ્તરે ભારતીય દર્શન પર કોઈ વ્યાખ્યાન આપે ત્યારે! અમિષભૈયા યુકેમાં ઇન્ડિયન કમિશનના સાંસ્કૃતિક મંત્રી હતા ત્યારે તેમણે એક ચર્ચામાં કે જેનો વિષય હતો કે ભગવાન એક ભ્રમમાત્ર છે તેના અંતર્ગત પોતાનો પક્ષ એક અદભુત અને આંખો ઉઘાડનારા વક્તવ્યમાં વર્ણવેલ. તે વક્તવ્યનો ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે, તો હવે ઓવર ટુ અમિષ:
“મને અહીં આમંત્રિત કરવા માટે ખુબ ખુબ આભાર. તમે વિશ્વને કેવી રીતે જુઓ છો એ ઘણીવાર તમે કયા ધર્મમાંથી આવેલા છો તેના પર આધાર રાખે છે. હું હિંન્દુ છું. હિન્દુત્વ એ ક્વચિત પૃથ્વી પરના સૌથી પ્રાચીન અસ્તિત્વ ધરાવતા ધર્મોમાંથી એક છે. હિન્દુત્વ એ ધાર્મિક પંથો અથવા માર્ગો કે જેમાં જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો પણ સમાવેશ થાય છે તેમાંથી એક છે. અમે દુનિયાને કેવી રીતે મૂલવીએ છીએ એ બાબત ઘણી બધી રીતે અબ્રાહમીક ધર્મોથી જુદી પડે છે. તમે જાણો છો તેમ અબ્રાહમીક ધર્મોમાં યહૂદી, ખ્રિસ્તી તેમજ મુસ્લિમ ધર્મોનો સમાવેશ થાય છે. એવી પણ દલીલ કરી શકાય કે પશ્ચિમી નાસ્તિકવાદ કે જે અબ્તહમીક ધર્મો સામેની પ્રતિક્રિયા તરીકે ઉદ્ભવ્યો એ પણ તે જ ધર્મોના ઘણા પરિબળો ધરાવે છે. અમારા વિશ્વને જોવાના દ્રષ્ટિકોણમાં જે ભિન્નતાઓ છ્હે તેમાંની એક એ છે કે અમે દુનિયાને બે સ્પષ્ટ ભાગોમાં વિભાજીત કરીને નથી જોતા જેમ કે સારું અને ખરાબ, શ્વેત અને શ્યામ. અમેં આ દુનિયાને મિશ્ર રંગછાયામાં જોઈએ છીએ. તો અમે આ પ્રશ્ન કે ભગવાન એક ભ્રમમાત્ર છેકે નહિ તેનો જવાબ કેવી રીતે આપીએ છીએ? સૌપ્રથમ તો આ પ્રશ્ન સ્વયં બે કારણોસર અધૂરો છે. પહેલું તો એ કે હિન્દૂ દર્શન ન મુજબ જે કંઈપણ આરંભ અને અંત ધરાવે છે અને એટલે જ અલ્પકાલીન છે તે બધું એક ભ્રમ અથવા તો કહીએ કે માયા છે કે જે એક સંસ્કૃત શબ્દ છે. તો અહીં દરેક વસ્તુ અરે આ બ્રહ્માંડ પણ માયા જ છે કારણ કે તેનો પણ અંત છે જ. હવે આ ખ્યાલના લીધે આ સમગ્ર ચર્ચા નિરર્થક નીવડે છે પણ આ સિક્કાની બીજી એક બાજુ પણ છે. હિન્દૂ ધર્મમાં વાસ્તવિકતા અંગેની એક અન્ય સંકલ્પના પણ છે કે જેમાં મને વધુ રુચિ છે. તે ખ્યાલ એવું કહે છે કે કોઈપણ બાબત કે જે એક નિશ્ચિત હેતુ અથવા લક્ષ્ય ધરાવે છે તે વાસ્તવિક છે પછી તે નિરાકાર કે અમૂર્ત કેમ ન હોય! હું આ વાતને વધુ વિસ્તારિત કરું: આપણે બધા કાર્લ સેગાનને સુપેરે જાણીએ છીએ. તેમને કહ્યું હતું કે આપણું શરીર એ પાણી, કેલ્શિયમ અને અમુક જૈવિક ઘટકોનું સંયોજન છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે પણ જો તમે અમુક નિશ્ચિત માત્રામાં પાણી, કેલ્શિયમ અને જૈવિક ઘટકોને લઈને તે બધાને કોઈ બસ નીચે નાખશો તો કઈ નહિ થાય. તેમનામાં કોઈ બદલાવ નહિ આવે કે નહિ તો બસને કઈ થશે પણ એ કારણે હું એ ભૂસકો મારીને બસ નીચે નહિ આવી જઉ કારણ કે ભલે મારુ શરીર આ બધા જ તત્વોનું એ જ પ્રમાણમાં બનેલું સંયોજન છે તો પણ હું માત્ર એ બધા ઘટકોનો સરવાળો નથી. કૈક એવું છે મારી અંદર કે જે આ બધા તત્વોને કોઈ હેતુ પ્રદાન કરે છે અને એ રીતે મારુ પણ નિર્માણ કરે છે. તેથી મારા અસ્તિત્વનો કોઈ હેતુ છે એટલે જ હું મિથ્યા કે માયા નથી. આ બાબત જેટલી મને લાગુ પડે છે તેટલી જ આપણા સૌને અને ભગવાનને પણ લાગુ પડે છે. અને તેથી જ ભગવાન પણ એક સત્ય છે.”
વિરામ: અજ્ઞાની તો ભટકે જ છે પણ જ્ઞાની તો મહાઅંધકારમાં ધકેલાય જાય છે. – ઉપનિષદ
“શા માટે પશ્ચિમને ભગવાનના અસ્તિત્વના કોઈ હેતુની જરૂરત આટલી અનુભવાતી નથી? શા માટે તેઓને ભગવાનની પણ જરૂરત નથી પડતી? મને લાગે છે તેનો ઉત્તર અબ્રાહમીક ધર્મોના વિજ્ઞાન સાથેના વણસેલા સંબંધોમાં રહેલો છે. કોઈપણ પ્રસ્તાવ કે જે આ બધા ધર્મો સાથે ટકરાય છે તે ઇશનિંદાનું બિરુદ મેળવી લે છે અને તેના કારણે જ આ ધર્મો અને વિજ્ઞાન વચ્ચે સતત દ્વંદ્વ ચાલતો રહે છે અને તમારે તેમાં કોઈ એકનો પક્ષ લેવો પડે છે. હવે હિંન્દુધર્મ આ વિવાદને કઈ રીતે જુએ છે? સૌપ્રથમ, હિન્દુધર્મમાં ઇશનિંદા પરનો કોઈ કાયદો નથી. તેથી એવું કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી કે જેને મારે મારા હિન્દુપણાને સાબિત કરવા નકારવું પડે. હિન્દુધર્મનો જ્ઞાન સાથેનો સંબંધ ઘણો અલગ છે. હું તેને વિગતવાર સમજવું તો આ તમે બધાએ જિનેસિસનો ગ્રંથ વાંચ્યો છે એટલે તમે બધા જાણો છો કે ઇડનનો બગીચામાં એક વૃક્ષ હોય છે જ્ઞાનનું. આદમ અને ઈવને તે પ્રતિબંધિત વૃક્ષમાંથી એક સફરજન ખાવા માટે સજા મળે છે. હું આ વાતની હાંસી નથી ઉડાવવા માંગતો કારણ કે જ્ઞાન જો તમે તેના માટે તૈયાર ન હોવ તો ઘણીવાર તમને દુ:ખ અને વિનાશના માર્ગે દોરી જાય છે. આવી દલીલ પણ થાય કે આને આવું ઘણીવાર અત્યારના આધુનિક પશ્ચિમમાં પણ જોવા મળે છે કે જો તમારો હેતુ મૂળે સુખી થવાનો કે આનંદ પામવાનો જ હોય તો જ્ઞાનનો અસ્વીકાર એ સારો તરીકો છે તેના માટે. નિર્દોષતા એ એક વરદાન છે, બરોબર ને? નિર્દોષ અને સુખી રહેવું એ એકે સારો વિકલ્પ છે. હિન્દૂ ધર્મ જ્ઞાનના સંભવિત જોખમને સ્વીકારે છે અને છતાંપણ કહે છે કે તમે એ જ્ઞાનની શોધમાં જાઓ અને તને મેળવી યોગ્ય શબ્દોમાં વર્ણિત કરો. હિન્દુઓને એવું નહિ કહેવાય કે તમે માત્ર એ ફળ જ ખાઓ પણ હકીકતે તેઓને એવું પણ કહેવાય કે આખેઆખા વૃક્ષને મેળવવા યત્ન કરો. જોકે તેનીસાથે એવું પણ સુચવવમાં આવે કે તમે તેના માટે જાઓ તે પહેલા પોતાની જાતને સજ્જ કરો કે જેથી તમે તે જ્ઞાનને પચાવી શકો.”