ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આપના કાર્યકરો અને ખેડૂતોએ યોજી રેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
માળીયાહાટીના યાર્ડ ખાતે મંડળી દ્વારા ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ રહી હતી જેમાં તાલુકાના 1100થી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. ખરીદી ચાલુ હતી એ દરમિયાન તંત્ર દ્વારા બારદાન અને ફંડના અભાવે ખરીદી બંધ કરી દેવામાં આવી હતી.
- Advertisement -
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે પરંતુ બારદાન અને ફંડ ન હોવાના ક્ષુલ્લક બહાના હેઠળ ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. માળીયાહાટીના આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરોએ મહારાણા પ્રતાપ ચોકથી બારદાન અને વાટકા સાથે દુકાને-દુકાને ફરી ફાળો ઉઘરાવ્યો હતો અને એકત્ર થયેલા ચિલ્લર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. આપના કાર્યકરો તથા ખેડૂતોની આ રેલી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.