હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા ગયેલા અઅઙના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને ભારે પાક નુકસાન થયું છે. આ સ્થિતિમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્ય સમક્ષ આવેદન આપવા જતાં હતા. પરંતુ, પોલીસ તંત્રે ભાજપના દબાણ હેઠળ લોકશાહીની અવગણના કરતા કાર્યકરોને રોકી નજરકેદ કરી લીધા હતા.
આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, રાજ્ય સહમંત્રી ડો. કે.એમ. રાણા, વિજયભાઈ પટેલ, હિતેશ વરમોરા, ધીરુભાઈ તારબુંદીયા, જયેશ પટેલ અને અશોક પટેલ સહિતના અનેક કાર્યકરોને પોલીસ દ્વારા બે થી ત્રણ કલાક સુધી ટીકર પોલીસ સ્ટેશનમાં રોકી રાખવામાં આવ્યા હતા.
આપના કાર્યકરોનો આક્ષેપ છે કે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. વિપરીત રીતે, જે લોકો ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવે છે, તેમના પર પોલીસ દબાણ લાદવામાં આવી રહ્યું છે. માત્ર ખેડૂત હિત માટે અવાજ ઉઠાવવો પણ હવે ગુનો ગણાય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ ગઈ છે, તેમ આપના કાર્યકરોનું કહેવું છે.
- Advertisement -
આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેડૂતોના હિત માટેની આ લડત હવે વધુ તીવ્રતા અને દૃઢતાથી ચાલુ રહેશે. સરકાર યોગ્ય વળતર આપે નહી ત્યાં સુધી મેદાન છોડવાનું નથી, તેમ આપના કાર્યકરોના નિવેદનમાં જણાવાયું છે.
ખેડૂતોમાં આક્રોશ
સ્થાનિક ખેડૂતોનો પણ આક્ષેપ છે કે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા માત્ર સોશ્યલ મીડિયા પર સક્રિય છે, પરંતુ જમીન સ્તરે ખેડૂત હિત માટે કોઈ હકીકતી પગલાં લેવામાં આવતા નથી. માત્ર મીડિયા ચમકથી કામ નથી ચાલતું, ખેડૂતો પાસે આવી તેમની પીડા સમજો, તેમ ખેડૂતોનો ઉગ્ર પ્રતિસાદ રહ્યો હતો.



