9ની અટકાયત કરી પોલીસે કાર્યવાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
બે દિવસ પહેલાં જ શરૂ થયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદના કારણે પાણી ભરાઈ જતાં અંડરબ્રિજ બંધ થયો હતો. આ મુદ્દે આપ નેતા પ્રવીણ રામે તંત્રની નિષ્ફળતા સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
- Advertisement -
પ્રવીણ રામ પોતાના કાર્યકરો સાથે પાણી ભરાયેલા અંડરબ્રિજમાં હોડી લઈને ઉતર્યા હતા અને ત્યાંથી જ વિરોધ નોંધાવ્યો હતો. તેમના આ વિરોધના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કેશોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળે પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધ દરમિયાન પ્રવીણ રામે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, હોડી મૂકતાં તુરંત પોલીસ દોડી આવી હતી તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે, લોકોને અવરજવર માટે નગરપાલિકાએ હવે આ અંડરબ્રિજમાં હોડી મૂકી દેવી જોઈએ. પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો કે, ચાર વર્ષથી અંડરબ્રિજનું કામ પૂરું નહોતું થયું. વિસાવદરની પેટાચૂંટણી બાદ તેમણે આ મુદ્દો ઉઠાવતાં ભાજપના નેતાઓએ કામ પૂર્ણ થયા વિના જ અંડરબ્રિજ ચાલુ કરી દીધો હોય તેવી લોકમુખે ચર્ચા છે. તેમણે ઉમેર્યું હતું કે, અંડરબ્રિજમાં હજુ ડિવાઇડર, કલરકામ બાકી છે અને પાણી કાઢવાની મોટરો પણ બંધ છે, તેમજ લોખંડની જાળી માત્ર બે દિવસમાં જ તૂટી ગઈ છે. હોડી મૂકીને વિરોધ નોંધાવતા જ કેશોદ પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને પ્રવીણ રામ સહિત 9 લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.