કેજરીવાલ દબાણ હટાવવાની પ્રક્રિયા અંગે લોકોને ડરાવી રહ્યાં છે : ભાજપ
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અતિક્રમણ વિરુદ્ધ જારી એમસીડીની કાર્યવાહીનો વિરોધઝ કરતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે જો આ ડિમોલિશન આ રીતે જ ચાલુ રહેશે તો 63 લાખ લોકો બેઘર થઇ જશે. 63 લાખ લોકોને બેઘર કરવાની યોજના કોઇ પણ સંજોગોમાં સહન કરી શકાય તેમ નથી.
કેજરીવાલે ડિમોલિશનની આ કાર્યવાહીને સ્વતંત્ર ભારતની સૌથી મોટી કાર્યવાહી ગણાવી હતી. ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની કાયદેસરતા સામે પણ તેમણે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. તેમણે દાવો કર્યો હતો કે ગેરકાયદેસર રીતે મકાનો તોડવામાં આવી રહ્યાં છે. દિલ્હીનો વિકાસ આયોજન સાથે થયો નથી.દિલ્હીનો 80 ટકા વિસ્તાર ગેરકાયદે છે.
તો શું એનો અર્થ એવો થશે કે દિલ્હીના 80 ટકા વિસ્તાર પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. હવે જ્યારે વર્તમાન ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્દત પૂર્ણ થવામાં ફક્ત બે જ દિવસ બાકી છે ત્યારે આ રીતે ડિમોલિશન કરવું કેટલું યોગ્ય છે? બીજી તરફ ભાજપે આરોપ મૂક્યો છે કે કેજરીવાલ દબાણ હટાવવાની પ્રક્રિયા અંગે લોકોને ડરાવી રહ્યાં છે અને બ્લેકમેઇલિંગ કરી રહ્યાં છે. ભાજપે જણાવ્યું છે કે આ અભિયાનથી શહેરના વાસ્તવિક નાગરિકોને કોઇ નુકસાન નહીં થાય પછી ભલે તે ગેરકાયદે કોલોની કે ઝૂપડપટ્ટીમાં રહેતા હોય. જો કે ભાજપે જણાવ્યું છે કે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યા, રમખાણકારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે.