રાજ્યમાં જ્યારે આવનારી 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની તૈયારી ચાલી રહી છે તેવામાં દેશમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનને પણ પૂર્ણ રૂપે પ્રતિસાદ મળી રહ્યો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સોમવારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હતું.
જિલ્લાના જુદા જુદા તાલુકા ખાતે પ્રશાસન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં ધ્રાંગધ્રા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત રાજકીય આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તરફ ચોટીલા ખાતે પણ યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પોતાના કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ લીમડી ખાતે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા તિરંગા યાત્રામાં જોડાઈને દેશપ્રેમ દર્શાવ્યો હતો. જ્યારે થાનગઢ ખાતે નીકળેલી તિરંગા યાત્રામાં સ્થાનિકો સ્વયંભૂ જોડાઈને દેશના વીર સપુતોને યાદ કર્યા હતા. ત્યારે જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં નીકળેલી તિરંગા યાત્રામાં સ્થાનિક રહીશો પણ સ્વયંભૂ જોડાઇને મનમાં રહેલો દેશપ્રેમ ઉજાગર કર્યો હતો.