તાલાલા પંથકે મતપેટીમાં ઈકો ઝોન સામે રોષ પ્રગટ કર્યો!
બોરવાવ ગીર બેઠક પર આપના વિપુલભાઈ શિંગાળા,ચિત્રાવડ બેઠક પર ભાજપના કરશનભાઈ વાજાનો વિજય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથક માટે આફતરૂપ આવી રહેલ ઈકો સેન્સિટીવ ઝોન નાં કાળાં કાયદા સામે છેલ્લા ત્રણ માસથી તાલાલા પંથકમાં ઠેર ઠેર શરૂ થયેલ વિરોધનાં વંટોળ વચ્ચે તાલાલા તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે યોજાયેલ મતદાનની મંગળવારે મતગણતરી થઈ હતી જેમાં પણ તાલાલા પંથકના મતદારોએ ઈકો સેન્સિટીવ ઝોનનાં કાળા કાયદા સામે રોષ પ્રગટ કર્યો હોય તેમ બોરવાવ ગીર ભાજપના ગઢ સમાન બેઠક ઉપર આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે.જ્યારે ચિત્રાવડ ગીર બેઠક ઉપર ભાજપ માત્ર નજીવા 31 મતો થી જીતવામાં સફળ થયો છે.
તાલાલા તાલુકા પંચાયતના બે સદસ્યોના અવસાન થી ખાલી પડેલ બે બેઠકોની પેટા ચૂંટણી યોજાયેલ જેમાં બોરવાવ બેઠક ઉપર 4431 મતદારોમાંથી 2098 મતદારોએ મતદાન કર્યું હતું.ચિત્રાવડ ગીર બેઠક ઉપર 5669 મતદારોમાંથી 2711 મતદારોએ મતદાન કર્યું જેની મંગળવારે સવારે થયેલ મતગણતરીમાં બોરવાવ ગીર ઉપર આમ આદમી પાર્ટીના વિપુલભાઈ ડાયાભાઈ શિંગાળા 237 મતોથી,ચિત્રાવડ ગીર બેઠક ઉપર ભાજપના કરસનભાઈ નાથાભાઈ વાજા નો 31 મતો થી વિજય થયો છે.આ ચૂંટણી જંગમાં કોંગ્રેસ ત્રીજા નંબરે રહી છે જેમાં ચિત્રાવડ બેઠક ઉપર કોંગ્રેસના ફરીદાબેન પરમારને 529,બોરવાવ બેઠક ઉપર કોંગ્રેસનાં રાજેશભાઈ ખુંટ ને 307 મતો મળ્યા હતા.
તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પ્રચારમાં તાલાલા પંથકના વિકાસ સામે અવરોધરૂપ બનનાર ઇકો સેન્સિટીવ ઝોન નો કાળો કાયદો ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો હતો.મતદારોએ આ મુદ્દો ધ્યાને લઈ પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હોવાનું ચૂંટણી પરિણામો ઉપરથી ફલિત થાય છે.
તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે.આ ચૂંટણીના પરિણામો થી તાલુકા પંચાયતના શાસનમાં ફેર પડતો નથી પરંતુ તાલાલા પંથકની પ્રજાને ઇકો સેન્સિટીવ ઝોનનો કિસાનો વિરોધી કાળા કાયદા સામે લોકરોષ પ્રગટ કરવાની તક મળી હતી જે મતદારોએ મતપેટી દ્રારા કરી બતાવ્યું હોવાનું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે.