ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ સિટી રાજકોટમાં આધારકાર્ડના અરજદારો નિરાધાર થઇ ગયા છે. નવું આધારકાર્ડ કઢાવવું હોય કે પછી તેમાં કોઇ ફેરફાર કે સુધારા-વધારા કરાવવાના હોય તેના માટે અરજદારે પોતાનો પુરો દિવસ કામકાજ પડતું મુકીને લાઇનમાં ઉભું રહેવું પડે છે, વારો આવે ત્યારે જો સદનસીબે કીટમાં કોઈ ટેક્ધિકલ ફોલ્ટ ન આવ્યો હોય, રિશેષ અવર શરૂ થઇ ગઇ ન હોય, અરજી સાથે જોડવાનો કોઇ એકાદ કાગળ ઘટતો ન હોય તો કામ ઉકેલાય છે નહીં તો ફરી બીજી વખત બીજા દિવસે એ જ લાઇનમાં ઉભા રહો ત્યારે કામની પતાવટ થવી હોય તો થાય છે. આધારકાર્ડ માટેની સૌથી વધુ અરજીઓ છેલ્લા બે વર્ષના કોરોનાકાળ દરમિયાન આવી છે.
રાજકોટમાં તા.19-3-20ના રોજ કોરોનાનો ગુજરાત રાજ્યનો સર્વપ્રથમ કેસ મળ્યો ત્યારથી લઇને તા.19-3-22 સુધીના બે વર્ષમાં રાજકોટ મહાપાલિકામાં આધારકાર્ડની રેકોર્ડબ્રેક કુલ 1,15,551 અરજીઓનો નિકાલ કરાયો છે. લોકડાઉનના બે મહિના દરમિયાન આ કામગીરી સંપૂર્ણ બંધ હતી અને અનલોક 0.1 શરૂ થયું ત્યારથી દરરોજ ત્રણ ઝોનલ ઓફિસના કેન્દ્રો ઉપર પ્રતિ કેન્દ્ર દીઠ 80 મુજબ દરરોજ ફક્ત 240 અરજદારોને ટોકન આપીને બોલાવવામાં આવતા હતા નહીંતર ઉપરોક્ત અરજીઓના આંકમાં હજુ વધારો થઇ શકે ! અહીં સવાલ કેટલી અરજીઓ આવી અને કેટલી અરજીઓનો નિકાલ થયો તે નથી પરંતુ સવાલ એ છે કે પુરતી કીટના અભાવે નાગરિકોએ કોરોનાકાળની ત્રણ લહેરોમાં કેટલી હાડમારી વેઠવી પડી અને હજુ પણ વેઠી રહ્યા છે. શા માટે રાજકોટ શહેરને વધુ કીટ ન મળી શકે? રાજકોટની સરખામણીએ વસ્તી અને વિસ્તારમાં અનેકગણા મોટા શહેર અમદાવાદ, વડોદરા અને સુરતની મહાપાલિકામાં તો આધારકાર્ડ મામલે આવા પ્રશ્નો સર્જાતા નથી ? મોટા શહેરોની વાત ભુલી જઇએ તો રાજકોટથી નાના મહાનગરો ગાંધીનગર, જામનગર, ભાવનગર, જુનાગઢમાં પણ આવા પ્રશ્નો સર્જાતા નથી !
નવા આધારકાર્ડ માટે 26,022 અને સુધારા-ઉમેરાની 89,529 અરજી
રાજકોટ મહાપાલિકામાં કોરોનાકાળના છેલ્લા બે વર્ષમાં નવા આધારકાર્ડ માટેની તો ફક્ત 26,022 અરજીઓ આવી છે પરંતુ તેનાથી ચાર ગણી 89,529 અરજીઓ આધારકાર્ડમાં સુધારા, વધારા અને ઉમેરા કરવા માટેની આવી છે. સપ્ટેમ્બર-2010થી આધાર કાર્ડ આપવાનું શરૂ થયાને 12 વર્ષ થવા આવ્યા હોય દરેક નાગરિકો પાસે આધારકાર્ડ છે. હવે નવા આધારકાર્ડ માટેની અરજીઓ તો લગભગ નવા જન્મેલા બાળકોની જ હોય છે. હાલ સુધારા અરજીઓ જ વધુ આવે છે જેમાં નામ, અટક, સરનામા વિગેરેમાં ફેરફારની અરજી હોય છે. સૌથી વધુ અરજીઓ આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી અપડેટ કરાવવા માટેની આવે છે.