જૂની શાકમાર્કેટ પાડીને ત્યાં પ્લોટ બનાવ્યો છે તે જગ્યા ઉપયોગમાં લેવાય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તેવી રતનપર અને જોરાવરનગરના 80 હજારથી વધુ નાગરિકોની સુવિધા અને સરળતા ધ્યાને લેવાની લોકમાગ ઊઠી છે. સુરેન્દ્રનગર શહેર મહાનગર પાલિકા બન્યા બાદ 4 ઝોન પાડવામાં આવ્યા હતા. જેમાં દરેક ઝોનમાં દાખલાઓ કઢાવવા અને વેરા ભરવા માટે એક એક કચેરી આપવામાં આવશે. જેમાંથી વઢવાણ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે એક કચેરી અને સુરેન્દ્રનગર જીનતાન રોડ વિસ્તારમાં સ્વિમિંગ પુલ કેમ્પસમાં બીજી કચેરી કાર્યરત પણ કરી દેવામાં આવી છે.
- Advertisement -
હવે જોરાવરનગર અને રતનપર વિસ્તારના 80 હજારથી વધુ નાગરિકોની સુવિધા અને સરળતા ધ્યાને લેવાય તેવી માગ છે. જોરાવરનગર અને રતનપર વિસ્તારની વસતી દિનપ્રતિદિન વધી રહી છે. તેવામાં મહાનગર પાલિકા બન્યા બાદ સાથે ખેરાળી અને માળોદ જેવા ગામો પણ સાથે જોડાયા છે. જોરાવરનગરના સિનિયર સિટિઝન્સ અશોકભાઈ ગોસ્વામી, પ્રકાશભાઈ, ગોરધનભાઈ વગેરેએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 4 ઝોનમાંથી 1 ઝોનની કચેરી જોરાવરનગરમાં પણ બનાવાય તે ખૂબ જરૂરી છે.