10 ગણા પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી થતા દુકાનમાં ગળેફાંસો ખાધો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં એક તરફ વ્યાજખોરીને ડામવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. દરેક જિલ્લા અને તાલુકામાં પોલીસ લોકદરબાર યોજી રહી છે છતાં પણ વ્યાજખોરોનો આતંક અટકતો નથી. જ્યાં રાજકોટ શહેરમાં મોટામવા ખાતે એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાધો હતો અને આ સમગ્ર મામલે સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ચાર વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનો રોષે ભરાયા હતા અને તેમણે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિનાયક નગરમાં રહેતા અને મોટામવામાં ખાતે દુકાન ધરાવતા રવાભાઈ ઝાપડા નામના યુવકે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકનાભાઈ દીપકભાઈએ જણાવ્યું હતું કે, રવાભાઈ મોટા મવામાં દુકાન ધરાવે છે. તેમણે પોતાની જ દુકાનમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેની જાણ આસપાસના દુકાનદારોને થતા અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રવાભાઈ પાસેથી અમને એક સુસાઇડ નોટ મળી હતી જેમાં કુલ ચાર વ્યાજખોરોનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ચાર વ્યાજખોરો દ્વારા રવાભાઈનું સોનુ અને મકાન પચાવી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ચારેય વ્યાજખોરોને વ્યાજની રકમ કરતાં 10 ગણા પૈસા ચૂકવ્યા હતા. છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.