ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબીના નાની વાવડી ગામે રહેતા યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં યુવાનની બે શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું ખુલતા મૃતકના પિતાએ બે શખ્સો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધાવ્યો છે. ઉછીના પૈસા મુદ્દે યુવકની હત્યા થયાના આ બનાવમાં હત્યારાઓએ હત્યા પૂર્વે ફોન કરી પિતા પાસેથી પણ પૈસાની ઉઘરાણી કરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ગંભીરતાતો એ છે કે, મૃતક યુવાન ઘરનો આધારસ્તંભ હતો. મૃતકનો એક ભાઈ દિવ્યાંગ હોવાનું અને પિતા વયોવૃદ્ધ હોય કમાઉ દીકરો ગુમાવતા પિતા ઉપર આભ તૂટી પડ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ નાની વાવડી ગામે રહેતા દિપક ભાણજીભાઈ મકવાણાની લાશ મળી આવ્યા બાદ બનાવ અંગે મૃતકના પિતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણાએ હત્યાના આ બનાવમાં આરોપી હેમંત પ્રેમજી સોલંકી રહે.નાની વાવડી અને ગૌતમ હીરાભાઈ ઉભડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે જેમાં ચારેય દીકરીઓના લગ્ન થઈ ગયા છે. જ્યારે એક પુત્ર દિવ્યાંગ હોય મૃતક દિપક એક જ કમાનાર વ્યક્તિ હોય ઘરનું ગુજરાન દિપક ચલાવતો હતો.
વધુમાં ભાણજીભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ગત તા.21ના સાંજના સમયે પોતાના દિવ્યાંગ પુત્રને હાથમાં લાગ્યું હોય દવાખાને લઈ ગયા હતા ત્યારે તેમના પુત્ર દીપકના ફોનમાંથી હત્યારા હેમંત અને ગૌતમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા દીકરાએ અમારી પાસેથી લીધેલા પૈસા આપતો નથી જેથી તમારા ખાતામાંથી પૈસા આપી દયો નહિતર તમારા પુત્રની લાશ પણ નહીં મળે તેમ કહ્યું હતું એ વેળાએ દીપકનો અવાજ પણ આવતો હતો. જેથી આ બન્ને શખ્સોએ જ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.