મૃતક અગાઉ દસ વર્ષની સજા કાપી ત્રણેક મહિના અગાઉ જ બહાર આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત હત્યાનો બનાવ બનવા પામ્યો છે જેમાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામે અંગત અદાવતમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સુત્રો પાસેથી મળતી વિગતોમાં બનાવની જો વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા 33 વર્ષીય વિપુલભાઈ વિનાભાઈ સાકરીયા ટ્રેકટર લઈને નીકળેલા હોય તેવા સમયે ભાવાભાઈ સાકરિયા દ્વારા માથાકુટ કરી વિપુલભાઇને માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો જ્યારે આ બનાવની જાણ મૃતક યુવાનના ભાઈઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ બંને ભાઈઓ પર પણ એક મહિલા સહિત પાંચ ઇસમો દ્વારા હુમલો કર્યો હતો આ હુમલાખોરો પોતાના જ કુટુંબી ભાવાભાઇ બીજલભાઈ સાકરીયા, સુરેશભાઈ ભાવાભાઇ સાકરીયા, થોભણભાઈ મેરાભાઈ સાકરીયા, શાંતિબેન ભવાભાઈ સાકરિયા તથા લાલાભાઈ નારાયણભાઈ દ્વારા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
- Advertisement -
આ બનાવમાં હરેશભાઈ અને મહેશભાઈ નામના યુવાનોને પણ ઇજા પામી હતી. જ્યારે હત્યાના બનાવની જો વાત કરીએ તો મૃતક વિપુલભાઈ દ્વારા અગાઉ હુમલાખોરોના પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય જે અંગે મૃતક વિપુલ સાકરીયા વિરૂદ્ધ ગુન્હો નોંધાયો હતો અને દશ વર્ષ જેલમાં રહ્યા બાદ ત્રણેક મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવતા અગાઉનું મનદુ:ખ રાખી કૌટુંબિક ભાઈઓ દ્વારા વિપુલ સાકરિયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોત નિપજાવી હોવાનું મૃતકના ભાઈ દ્વારા આક્ષેપ કરાયો હતો. જ્યારે હત્યાનો બનાવ સામે આવતા જ ચોટીલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. આ તરફ હત્યા કરનાર તમામ ઈસમો નાશી છૂટયા હોવાથી પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.