ખાસ-ખબર સંવાદદાતા
સોરઠ પંથક સહિત ગીર વિસ્તાર નજીકના આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે દિવસે દિપડાની દહેશત વધતી જાય છે. ટુંકાવાળામાં જ અનેક વ્યકિતઓ ઉપર હુમલાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ વંથલી તાલુકાના સીમ વિસ્તારમાં ખેત મજુર પર દિપડાનો હુમલાનો બનાવ સામે આવ્યો છે.
વંથલીના ઓઝત નદીના કાંઠા પાસે આવેલ રગતીયા બાપાના મંદિર નજીક આવેલા ખેતરમાં સુરેશ કાંતિભાઇ વાઘેલા (ઉ.વ.રર) નામનો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક એક દિપડો આવી ચઢયો હતો અને યુવાન પર હુમલો કરતા યુવાનને ગળાના ભાગે અને ખંભા પર ઇજા પહોંચાડી હતી. ત્યારે યુવાને બુમા બૂમ કરતા દિપડો નાસી છુટયો હતો. ઘાયલ યુવાનને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો હતો. ત્યારે દિપડાના ભયના લીધે સ્થાનિક લોકોએ દિપડાને ઝડપી લેવા વન વિભાગને જાણ કરી છે.