સાહિલ મોહમ્મદ હુસૈન નામના યુવકે તેના વીડિયો દ્વારા જણાવ્યું કે કેવી રીતે તેને ડ્રગ્સનો ખોટો કેસ કરીને બ્લેકમેલ કર્યા બાદ કથિત રીતે રશિયન સૈન્યમાં સેવા આપવા માટે દબાણ કરવામાં આવ્યું.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ગુજરાતનો વધુ એક યુવક ફસાયો છે. મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન નામના યુવકે યુક્રેન સરહદેથી એક વીડિયો શેર કરી પોતાની આપવીતી જણાવી છે. સાહિલનો આરોપ છે કે તેને રશિયામાં ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી, બ્લેકમેલ કરીને બળજબરીપૂર્વક રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો.
- Advertisement -
અભ્યાસ કરવા ગયો અને યુદ્ધના મેદાનમાં પહોંચ્યો
અહેવાલો અનુસાર, સાહિલ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં તે પોતાનો ખર્ચ કાઢવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયાની પોલીસે તેને પકડી લીધો અને તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો ખોટો આરોપ લગાવ્યો. તેને ધમકી આપવામાં આવી કે જો તે રશિયન સેનામાં જોડાવાના કરાર પર સહી નહીં કરે, તો તેને લાંબી જેલની સજા થશે.
જીવ બચાવવા અને જેલથી બચવા માટે મજબૂરીમાં સાહિલે કરાર સ્વીકાર્યો અને માત્ર 15 દિવસની તાલીમ બાદ તેને યુક્રેન બોર્ડર પર લડવા મોકલી દેવાયો.
- Advertisement -
યુક્રેનિયન સેના સામે આત્મસમર્પણ
સરહદ પર પહોંચતા જ સાહિલે રશિયા તરફથી લડવાને બદલે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ (Surrender) કરી દીધું હતું. હાલ તે યુક્રેનિયન સેનાના કબજામાં છે. યુક્રેનની સેનાએ જ સાહિલને આ વીડિયો બનાવવાની મંજૂરી આપી છે, જેથી તે ભારત સરકાર અને પોતાના પરિવાર સુધી સંદેશ પહોંચાડી શકે.
‘રશિયન આર્મીમાં ન જોડાતા’
સાહિલે વીડિયોના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વતન પરત લાવવા મદદ માગી છે. સાથે જ તેણે ભારતીય યુવાનોને ચેતવણી આપતા કહ્યું છે કે, ‘કોઈપણ ભારતીય રશિયન સેનાના પ્રલોભન કે દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. રશિયામાં ભારતીયોને ખોટા કેસોમાં ફસાવીને જબરદસ્તી યુદ્ધમાં ધકેલવામાં આવી રહ્યા છે.’
પરિવારની કાનૂની લડાઈ અને સરકારની ખાતરી
સાહિલનો વીડિયો મળ્યા બાદ મોરબીમાં રહેતા તેના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેની માતાએ પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026 માં નિર્ધારિત કરવામાં આવી છે. બીજી તરફ, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું છે કે ભારત સરકાર રશિયામાં ફસાયેલા તમામ ભારતીયોની મુક્તિ માટે સતત પ્રયત્નશીલ છે.




